પાકિસ્તાનના આ પ્રખ્યાત શહેરને ભગવાન શ્રીરામના પુત્ર લવે વસાવ્યું છે, શું તમને ખબર છે? 

Pakistan: પાકિસ્તાનના આ શહેરને ભગવાન રામના પુત્ર લવ દ્વારા વસાવવામાં આવ્યું હોવાની માન્યતા છે. અહીં લવ મંદિર પણ બનેલું છે. જેની દેખરેખ કરવા માટે આજે કોઈ નથી. અહીંથી થોડે દૂર કસુર જિલ્લો છે જેને કુશ દ્વારા વસાવવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે. 

પાકિસ્તાનના આ પ્રખ્યાત શહેરને ભગવાન શ્રીરામના પુત્ર લવે વસાવ્યું છે, શું તમને ખબર છે? 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવતા શહેર લાહોર વિશે તમે ઘણું સાંભળ્યું હશે. ક્યારેક રસપ્રદ વાતો તો ક્યારેક સુંદર જગ્યાઓ વિશે. અત્રે જણાવવાનું કે વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ભાગલામાં આ શહેર પાકિસ્તાનમાં જતું રહ્યું. પરંતુ અનેક ભારતીયોનો આ શહેર સાથે ગાઢ નાતો છે. આજે પણ બોલીવુડથી લઈને ભારતના બિઝનેસ ફેમિલીઝ તથા રાજનીતિ સાથે ઘરૌબો ધરાવનારા કેટલાક લોકો એવા છે જેમનો જન્મ કાં તો આ જગ્યાએ  થયો છે અથવા તો તેમના પૂર્વજો આ શહેર સાથે સંબંધ ધરાવે છે. 

પરંતુ આજે અમે તમને આ શહેર અંગે એક એવી વાત કરીશું જેને કદાચ તમે જાણી નહીં હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જગ્યા કોણે વસાવી હતી. જો ન ખબર હોય તો તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના લાહોર શહેરને ભગવાન શ્રીરામના પુત્ર લવ દ્વારા વસાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

હિન્દુ માન્યતા મુજબ લાહોરનું નામ લવપુરીથી લેવાયું છે અને તેની સ્થાપના લવ દ્વારા કરાઈ હતી. એવું કહે છે કે જ્યારે ભગવાન રામે વાનપ્રસ્થ જવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે ભરતના ના પાડવા છતાં પુત્રો લવ અને કુશને પોતાનું રાજકાજ સોંપી દીધુ હતું. ભગવાન શ્રીરામને કુશને દક્ષિણ કોસલ, કુશસ્થલી (કુશાવતી) અને અયોધ્યા રાજ્ય સોંપ્યું તો લવને પંજાબ. લવે લવપુરીને પોતાની રાજધાની બનાવી. આ જ લવપુરી એ આજે લાહોર નામથી ફેમસ છે. જો કે વાલ્મિકી રામાયણમાં આ વાતનો ઉલ્લેખ મળશે નહીં. 

પાકિસ્તાનમાં લવના નામ પર એક મંદિર લવ મંદિર પણ છે. આ મંદિર લાહોર કિલ્લાની અંદર છે. જે વખતે પંજાબ શીખોનું સામ્રાજ્ય હતું. એવું કહે છે કે આ મંદિરને એ સમયે બનાવવામાં આવ્યું હતું. જો કે આ મંદિર આજે ખાલી પડ્યું છે અને તેની દેખરેખ માટે પણ કોઈ નથી. જ્યારે લવના ભાઈ કુશે જે કુશાવતી પર રાજ કર્યું હતું તેને આજે પંજાબમાં કાસુર જિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. 

હિન્દુ, મુઘલ, શીખ, પઠાણ, બ્રિટિશ સામ્રાજ્યની મિક્સ સંસ્કૃતિવાળું લાહોર એક સમયે આર્ય સમાજનો ગઢ પણ ગણાતું હતું. અહીં જ સંસ્કૃત ગ્રંથ પ્રકાશિત થયો છે અને સંસ્કૃતનો પણ પ્રચાર પ્રસાર થઈ ચૂક્યો છે. વાત કરીએ પાકિસ્તાનના કસૂર શહેરની કે જેનું નામ કુશના નામ પર રાખવામાં આવ્યું છે. જે લાહોરથી લગભગ 53 કિમી દૂર છે. ઈતિહાસ મુજબ શહેરનું અસ્તિત્વ 1525માં આવ્યું હતું. કસુર એ શહેર છે જે સિંધુ ઘાટી દરમિયાન અસ્તિત્વમાં આવ્યું હતું. 

4 હજાર વર્ષ જૂનું શહેર
એક રિપોર્ટમાં દાવો કરાયો છે લાહોર શહેર લગભગ 4 હજાર વર્ષ જૂનું છે. અરબ આક્રમણ પહેલા અહીં અનેક મોટા હિન્દુ અને બૌદ્ધ શાસકો આવ્યા. અત્રે જણાવવાનું કે ટિબ્બી બજાર લાહોરનો ભીડભાડવાળો એરિયા છે. અહીં વચ્ચે એક પ્રાચીન શિવ મંદિર પણ આવેલું છે. જેને ટિબ્બીવાલા શિવાલય કહે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news