એકાઉન્ટમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ હશે તો પણ ચૂકવવો પડશે વધારાનો ચાર્જ?

ગ્રાહકોને મળતી છૂટછાટ બંધ કરી દેવાય એવી શક્યતા

એકાઉન્ટમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ હશે તો પણ ચૂકવવો પડશે વધારાનો ચાર્જ?

નવી દિલ્હી : સામાન્ય રીતે તમારા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તો બેંક તમારી પાસેથી ચાર્જ વસુલ કરે છે. જોકે હવે જો મિનિમમ બેલેન્સ રાખશો તો પણ ચાર્જ ચૂકવવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોય તો પણ એટીએમ ટ્રાન્ઝેક્શન, ફ્યુલ સરચાર્જ રિફંડ, ચેક બુક તેમજ ડેબિટ કાર્ડ જેવી સેવા ફ્રી નહીં મળે. ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના મોટી બેંકોને ગ્રાહકોને આપવામાં આવતી આ સુવિધાઓ પરનો ટેક્સ ચૂકવવા માટે નોટિસ આપી છે. આ બેંકોમાં એસબીઆઇ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રાજેવી મોટી બેંકો શામેલ છે. ટેક્સ ડિપાર્ટમેન્ટે માગેલો આ ટેક્સ હજારો કરોડો રૂ.નો હોઈ શકે છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસેઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGST)એ આ બેંકોને ટેક્સની ચૂકવણીના મામલામાં શો કોઝ નોટિસ ઇશ્યુ કરી છે. આ નોટિસ બીજી બેંકોને પણ મોકલવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. વિભાગે બેંકો પાસેથી છેલ્લા પાંચ વર્ષના ટેક્સની ચૂકવણીની માગણી કરી છે કારણ કે નિયમ પ્રમાણે પાંચ વર્ષ પહેલાં સર્વિસ ટેક્સ નથી માગી શકાતો. 

ટેક્સ વિભાગના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે મિનિમમ બેલેન્સવાળા એકાઉન્ટ પર ટેક્સની માગણી એ આધારે જ કરવામાં આવી છે જે આધારે મિનિમમ બેલેન્સ ન રાખનાર વ્યક્તિઓ પાસેથી બેંકો ચાર્જ વસુલ કરે છે. સરળ ભાષામાં કહીએ તો મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ન જાળવતા ગ્રાહકો પાસેથી બેંક જેટલા પૈસા વસુલ કરે છે એ રકમ મિનિમમ બેલેન્સ જાળવતા એકાઉન્ટ સાથે જોડીને ટેક્સની ગણતરી કરવામાં આવશે. 

ઇકોનોમિક ટાઇમ્સના આ સમાચાર પ્રમાણે બેંકોની સૌથી મોટી ચિંતા એ છે કે એ ગ્રાહકો પાસેથી પાંચ વર્ષના ટેક્સની ડિમાન્ડ કરી શકે એમ નથી. આ સંજોગોમાં જો ટેક્સ લગાવવામાં આવે તો ભવિષ્યમાં એનો બોજો ગ્રાહકોએ ઉપાડવો પડશે. બેંકો પાસે હાલમાં DGGSTની માગણીને પડકારવાનો વિકલ્પ છે અને બેંક આ મામલામાં સરકાર પાસે અપીલ પણ કરશે. પ્રાથમિક અંદાજ પ્રમાણે બેંકો પર કુલ ટેક્સની રકમ 6,000 કરોડ રૂ. હોઈ શકે છે. જોકે બેંકોનું માનવું છે કે વાસ્તવિક રકમ આનાથી વધારે હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news