પાસપોર્ટ એક મહત્વના કામ માટે થઈ જશે સાવ નકામો, સરકારની લેટેસ્ટ જાહેરાત

સામાન્ય રીતે એડ્રેસના જે પુરાવાઓ માન્ય છે એમાં પાસપોર્ટને બહુ મજબૂત એડ્રેસ પ્રુફ ગણાય છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 11:21 AM IST
પાસપોર્ટ એક મહત્વના કામ માટે થઈ જશે સાવ નકામો, સરકારની લેટેસ્ટ જાહેરાત

નવી દિલ્હી : સામાન્ય રીતે એડ્રેસના જે પુરાવાઓ માન્ય છે એમાં પાસપોર્ટને બહુ મજબૂત એડ્રેસપ્રુફ ગણાય છે. જોકે હવે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેના પગલે હવે પાસપોર્ટનો ઉપયોગ રહેઠાણના પુરાવા તરીકે નહીં કરી શકાય. વિદેશ મંત્રાલયની  લેટેસ્ટ જાહેરાત અનુસાર હવે પાસપોર્ટનું છેલ્લું પેજ પ્રિન્ટ નહીં કરવામાં આવે. આ નિર્ણય વિદેશ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું રચેલી ત્રણ સદસ્યની સમિતિના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે. સમિતિએ આ બાબતોની સમીક્ષા કરી જેમાં કહેવાયું હતું કે શું પાસપોર્ટમાંથી પિતાનું નામ હટાવી શકાય છે?

શું હોય છે છેલ્લા પેજમાં?
હાલમાં જે ભારતીય પાસપોર્ટ છે એના છેલ્લા પાના પર નામ, પિતા અથવા કાનૂની વાલીનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને એડ્રેસ છપાયેલું હોય છે. આમ. પાસપોર્ટમાં એડ્રેસને સત્તાવાર માન્યતા મળી હોવાના કારણે એનો ઉપયોગ રહેઠાણના પુરાવા તરીકે કરવાનું શક્ય હતું. જોકે હવે એ પેજ જ નહીં હોય જેના પગલે હવે પાસપોર્ટનો એડ્રેસપ્રુફ તરીકે ઉપયોગ નહીં કરી શકાય. 

હવે હશે બે રંગના પાસપોર્ટ
હાલમાં જે માહિતી જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે પાસપોર્ટના છેલ્લા પાના પર પ્રિન્ટ નહીં થાયય આ સિવાય ઈસીઆર (ઈમિગ્રેશન ચેક રિક્વાયર્ડ) સ્ટેટસ વાળા પાસપોર્ટ ધારકોને નારંગી રંગના જેકેટ વાળા પાસપોર્ટ જારી કરવામાં આવશે અને નોન ઈસીઆર સ્ટેટસવાળા લોકો માટે નિયમિત વાદળી રંગના પાસપોર્ટ જારી કરવામાં આવશે.