નારણ રાઠવાની ઉમેદવારી પર BJPએ ઉઠાવ્યાં સવાલ, ECમાં કરી ફરિયાદ

ગુજરાતમાં રાજ્યસભા બેઠક માટે  કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાની ઉમેદવારી પર ભાજપે આપત્તિ વ્યક્ત કરી છે. ભાજપે રાઠવાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Mar 14, 2018, 06:50 AM IST
નારણ રાઠવાની ઉમેદવારી પર BJPએ ઉઠાવ્યાં સવાલ, ECમાં કરી ફરિયાદ

નવી દિલ્હી: ગુજરાતમાં રાજ્યસભા બેઠક માટે  કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાની ઉમેદવારી પર ભાજપે આપત્તિ વ્યક્ત કરી છે. ભાજપે રાઠવાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. કેન્દ્રીય મંત્રી એમ એ નકવી તથા ભાજપના સાંસદ ભૂપેન્દ્રસિંહ યાદવે મંગળવારે આ મામલે ચૂંટણી પંચની મુલાકાત કરી. ભારતીય જનતા પાર્ટીએ નારણભાઈ રાઠવાની ઉમેદવારીમાં અનેક પ્રકારની ખામીઓનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે રાઠવાની ઉમેદવારી નિયમાનુસાર ભરવામાં આવી નથી અને તેની સાથે જરૂરી અનેક દસ્તાવેજો પણ રજુ કરાયા નથી.

6 કલાક મોડું જમા થયું ઉમેદવારી ફોર્મ
નારણ રાઠવાએ ભાજપના આરોપો ઉપર કહ્યું કે તેમણે વિચાર્યું હતું કે તેમનું ફોર્મ સરળતાથી જમા થઈ જશે. જરૂરિયાત મુજબ તમામ દસ્તાવેજો જોડીને તેમણે ફોર્મ જમા કરાવ્યું હતું. પરંતુ ભાજપના નેતાઓએ ખોટુ બોલીને બખેડો ઊભો કર્યો અને તેમની ઉમેદવારી અટકાવવાની કોશિશ કરી. આ ચક્કરમાં છ કલાક બાદ ચૂંટણી પંચના અધિકારીએ તેમનું ફોર્મ જમા કરી લીધુ.

ભાજપના આરોપોને નિરાધાર ગણાવતા  કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે ભાજપ રીતસરનું જૂઠ્ઠુ બોલી રહ્યો છે. તેમણે કહ્યું કે  તેમના ઉમેદવારે તમામ તથ્યો અને સચ્ચાઈ સાથે ઉમેદવારી દાખલ કરી છે. ગોહિલે કહ્યું કે ભાજપ કોઈ પણ આધાર વગર આપત્તિ ઉઠાવીને પરેશાની ઊભી કરી રહ્યો છે.

સંસદથી નથી મળ્યું નો ડ્યૂઝ સર્ટિફિકેટ
ભાજપના નેતા જીતુ વાઘાણીએ કહ્યું કે નારણ રાઠવાને સંસદ દ્વારા કાલ સાંજ 3.30 વાગે નો ડ્યૂઝ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતું. આ અગાઉ રાઠવાએ ખોટો દસ્તાવેજ દાખલ કરીને ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. આ માટે ભાજપે લોકસભા અધ્યક્ષને પણ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

ચૂંટણી પંચ પહોંચ્યો ભાજપ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે તેમણે ચૂંટણી પંચને નારણ રાઠવાની અનાધિકૃત ઉમેદવારી અંગે જાણ કરી છે. તેમણએ જણાવ્યું કે તેમના બે નેતાઓ એમ એ નકવી અને ભૂપેન્દ્રસિંહ યાદવે ચૂંટણી પંચમાં પોતાની ફરિયાદ નોંધાવી છે.

4 બેઠકો માટે 6 ઉમેદવારો
રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠકો ખાલી પડી છે જ્યારે મેદાનમાં છ ઉમેદવારો છે. સંખ્યાબળના આધારે ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો મળી શકે છે. ભાજપે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા પૂર્વ ધારાસભ્ય કૃતિ સિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે અમી યાજ્ઞિક અને નારાયણ રાઠવાને ઉમેદવાર બનાવ્યાં છે. કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર પી કે વલેરાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને ભાજપની આ રણનીતિથી સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રોસ વોટિંગ જોવા મળશે. 23 માર્ચના રોજ રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે.  

પહેલા ચારે બેઠકો પર હતો ભાજપનો કબ્જો
ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સમીકરણો બદલાઈ ગયા છે જેના કારણે ભાજપે 2 બેઠકોનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યસભામાં ખાલી પડી રહેલી 58 બેઠકો માટે 23 માર્ચના રોજ દેશભરમાં ચૂંટણી થશે. આ બેઠકોમાંથી 4 ગુજરાતની છે જે હાલ ભાજપ પાસે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો 2012ની 115થી ઘટીને 2017માં 99 થઈ. જ્યારે કોંગ્રેસની 60થી વધીને 77 થઈ. આ જ કારણે ભાજપ હવે રાજ્યસભામાં માત્ર 2 જ ઉમેદવારને મોકલી શકે તેમ છે.