આડા સંબંધમાં ઉડાવી દીધા કરોડો રૂ. પછી ખેલાયો રૂંવાડા ઉભો કરતો ખૂની ખેલ

હાલમાં સુરતના ટિંબાના યુવાને જબરદસ્ત ખૂની  ખેલ ખેલી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 01:13 PM IST
આડા સંબંધમાં ઉડાવી દીધા કરોડો રૂ. પછી ખેલાયો રૂંવાડા ઉભો કરતો ખૂની ખેલ

સુરત : હાલમાં સુરતના ટિંબાના યુવાને જબરદસ્ત ખૂની  ખેલ ખેલી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જેના સીધા છેડા મુંબઈના ડાન્સ બાર સાથે અડે છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈની બાર ડાન્સર અને પાર્ટ ટાઈમ મોડેલિંગ કરતી યુવતીની તેના પ્રેમીએ સુરત નજીક ગળું કાપીને હત્યા કરી છે. પ્રિતેશ પટેલ નામનો ટિંબાનો નિવાસી યુવક મૂળ પંજાબની બાર ડાન્સર જ્યોતિ સિંહ ઉર્ફે નીશા જ્યોતિના પ્રેમમાં હતો, અને તેણે જ્યોતિની આડા સંબંધોની શંકામાં હત્યા કરી હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે. પૂછપરછ દરમિયાન પ્રિતેશે ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, તેણે જ્યોતિ પાછળ બે કરોડ રુપિયા વાપરી નાખ્યા હતા. જોકે, તેને શંકા હતી કે જ્યોતિના બીજા કોઈ વ્યક્તિ સાથે સંબંધો છે.

શું હતો ઘટનાક્રમ?
જ્યોતિ અને પ્રિતેશ બંને ડિવોર્સી હતા. જ્યોતિને એક બે વર્ષની નાની દીકરી અને  પ્રિતેશને ચાર વર્ષનો દીકરો હતો. જ્યોતિ સાથેના આડાસંબંધોને કારણે પ્રિતેશનું લગ્નજીવન પણ ભાંગી પડ્યું હતું. મુંબઈમાં અવાર-નવાર ડાન્સ બારમાં જતા પ્રિતેશની આંખો જ્યોતિ સાથે મળી ગઈ હતી. બંને એકબીજાની નજીક આવ્યાં હતાં, અને તેમની વચ્ચે પ્રેમ સંબંધો વિકસ્યા હતા. જ્યોતિ પ્રિતેશને મળવા માટે ગયા મહિને ટિંબા આવી હતી, અને તેમણે સાથે મળીને પ્રિતેશનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે 28મી ડિસેમ્બરે બંને મુંબઈ ગયા હતા અને ન્યૂયર સેલિબ્રેટ કર્યું હતું. ત્યાર બાદ સોમવારે ટિંબા પાછા આવ્યાં હતાં. મીરા રોડ પર આવેલી એક હોટેલમાં પ્રિતેશ અને જ્યોતિ એક રાત સાથે રહ્યાં હતાં. ત્યાર બાદ પ્રિતેશ જ્યોતિને મંગળવારે સવારે ટિંબામાં આવેલા પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યોતિનો ડ્રાઈવર સંદીપ સિંહ અને તેની પત્ની પણ તેમની સાથે જ હતા.

રચાયો હત્યાકાંડ
પ્રિતેશને શંકા હતી કે જ્યોતિના કોઈ બીજા સાથે આડા સંબંધ પણ છે. આ શંકાને કારણે જ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ શંકાના કારણે જ જ્યોતિને ખેતરમાં લઈ જઈ પ્રિતેશે તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સંદીપ અને તેની પત્ની પ્રિતેશ પોતાના પર પણ હુમલો કરશે તેવી શંકાથી ખેતરમાંથી ભાગી ગયાં હતાં અને પાછળથી પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક પગલાં લઈ પ્રિતેશની તેના ઘરેથી ધરપકડ કરી હતી.