દિપાવલી પર્વે નાગરિકોને મુખ્યમંત્રીની ભેટ, નવો GDCR મંજૂર કરાયો

વિજય રૂપાણી દ્વારા બાંધકામ નિયમોના ફાઈનલ નોટિફીકેશનને અપાઈ મંજૂરી, બાંધકામ વ્યવસાયને વેગ મળશે, શહેરી વિસ્તારોમાં વધુ ખૂલ્લી જગ્યા મળે તેવા વર્ટીકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન, નવ માસના ટૂંકાગાળામાં ૯૦ જેટલી શહેરી આયોજનને લગતી યોજનાઓને મંજૂરી આપવાનો નિર્ણય, અમદાવાદની વધુ પાંચ ટી.પી. સ્કીમને મંજૂરી

દિપાવલી પર્વે નાગરિકોને મુખ્યમંત્રીની ભેટ, નવો GDCR મંજૂર કરાયો

હિતલ પારેખ/ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોને દિવાળી ભેટ આપતાં બાંધકામ નિયમોમાં ફેરફાર (GDCR) અંગેનું ફાઈનલ જાહેરનામાને મંજૂરી આપી છે. નાગરિકોની મળેલી રજૂઆતોનો પ્રતિસાદ આપતાં તેમણે નિયમોમાં સરળતા લાવવા તંત્રને આપેલી સૂચનાઓને પગલે આ અંતિમ જાહેરનામું તૈયાર કરાયું છે. આ મંજૂરીને પગલે શહેરમાં બનતા મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વધુ ખુલ્લી જગ્યાની જોગવાઈની સાથે જ બિલ્ડિંગની ઊંચાઈમાં પણ વધારો મંજૂર કરાયો છે. 

નવા GDCRને પરિણામે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરો સહિત વાપી, વલસાડ, નવસારી વગેરે શહેરોમાં વધુ હવા-ઉજાસવાળા મકાનો ઉપલબ્ધ બનશે. એટલું જ નહિ, અગાઉ ગામ તળમાં રપ ટકા ખૂલ્લી જગ્યા પ્લોટના આગળના ભાગમાં રાખવાનું ફરજીયાત હતું. તેને બદલે હવે ખૂલ્લી જગ્યા છોડવાની છૂટછાટની સાથે નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાન બાંધકામ કરી શકશે. 

શહેરી વિકાસ વિભાગનો હવાલો ધરાવતા મુખ્યમંત્રીએ છેલ્લા 9 મહિનામાં 32 ડ્રાફટ ટી.પી, 24 પ્રીલીમનરી ટી.પી. અને 22 ફાઈનલ ટી.પી. સહિત 10 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મળી 88 જેટલી શહેરી યોજનાઓને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં શહેરી યોજનાઓની મંજૂરીમાં શતક-૧૦૦નો આંક પાર કરવા અધિકારીઓને સૂચનાઓ આપી છે. 

અમદાવાદમાં નવી 5 ટીપી સ્કીમને મંજૂરી 
મુખ્યમંત્રીએ શનિવારે નવા GDCRને મંજુરી આપવાની સાથે જ અમદાવાદ મહાનગરની 4 ડ્રાફટ અને 1 પ્રારંભિક સહિત કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને પણ મંજૂર આપી છે. 

આ ડ્રાફટ સ્કીમોમાં (1) ટી.પી. સ્કીમ નં.303 (ખોરજ), (2) ટી.પી. સ્કીમ નં. 409/B (ઝુંડાલ) અને (3) ટી.પી. સ્કીમ નં.404/A (સનાથલ) અને (4) ટી.પી. સ્કીમ નં.432(અસલાલી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ટી.પી. નં. 23 (વેજલપુર) પ્રીલીમીનરી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રાફટ સ્કીમોની મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે તથા આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થતાં નાગરિકોને વધુ સુવિધા મળી શકશે.

નવા GDCR માં કરાયેલા ફેરફાર  
ગામતળના ખુલ્લા પ્લોટની 25 ટકા જગ્યા ખુલ્લી રાખવાનો નિયમ રદ્દ કરાયો.
ગામતળના પ્લોટમાં હવે બાંધકામને અનુકૂળ હોય તેટલી જગ્યા છોડી શકાશે.

શહેરોમાં મકાન બાંધકામના નિયમોમાં કરાયેલા ફેરફાર
12 મી.ના રોડ પર હવે 30 મીટરની ઊંચાઈનું બાંધકામ કરી શકાશે, અત્યાર સુધી 25 મી.ની ઊંચાઈની મંજૂરી હતી.
18મી.ના રોડ પર હવે 45 મીટરની ઊંચાઈનું બાંધકામ કરી શકશે, અત્યાર સુધી 25 મી.ની ઊંચાઈની મંજૂરી હતી.
હવે ગ્રાઉન્ડ ફ્લોર પર 4.5 મીટરના બદલે 6 મીટરનું માર્જિન છોડવાનું રહેશે.

નાના ઔદ્યોગિક પ્લોટ માટે મહત્વનો નિર્ણય
500 મીટર સુધીના ઔદ્યોગિક પ્લોટમાં હવે 2 બાજુ માર્જિન છોડી નિર્માણ કરી શકાશે, અત્યાર સુધી 3 તરફ માર્જિન છોડવું પડતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news