અમદાવાદ રન વે પર નીલગાયની ઘુસણખોરીના મામલામાં લેવાયો મોટો નિર્ણય

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે રાત્રે નીલગાય રન વે પર ઘુસી જતા મોટો હોબાળો થયો હતો

અમદાવાદ રન વે પર નીલગાયની ઘુસણખોરીના મામલામાં લેવાયો મોટો નિર્ણય

અમદાવાદ :  અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે રાત્રે નીલગાય રન વે પર ઘુસી જતા મોટો હોબાળો થયો હતો. હવે આ મામલામાં મોટો નિર્ણય લેવાયો છે. આ ઘટનાને પગલે સિક્યુરિટી વ્યવસ્થાના મોટા સવાલો ઉભા થયા હતા. હવે ભવિષ્યમાં આવી ઘટના ન  બને એ માટે ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ(CISF) દ્વારા ઈન્ક્વાયરી કરવામાં આવશે.

માનવીય ભુલ?
આ ઘટનાની તપાસ કરતા પ્રાથમિક તપાસમાં તો માનવીય ભુલને કારણે આ બનાવ બન્યો હોવાની માહિતી મળી છે. AAI તરફથી અમદાવાદ એરપોર્ટ પ્રશાસન પાસેથી આ બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. બનાવની ગંભીરતાને જોઈને CISFના IG પોતે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ સિવાય ભવિષ્યમાં આવી ઘટનાનો ન બને એટલે એરપોર્ટ પ્રશાસન એરપોર્ટમાં ડબલ ગેટ મુકવાનું તેમજ એનિમલ ટ્રેપ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

શું હતો મામલો?
અમદાવાદ એરપોર્ટ  પર હાલમાં મોડી રાતે નીલ ગાય આવી ગઈ હતી. આ નીલ ગાય રન વે પર ફરતી હતી જેથી એરપોર્ટના સત્તાવાળાઓએ ફ્લાઈટનું લેન્ડિંગ અટકાવી દીધું હતું અને રનવે પર ટ્રાફિક એક કલાક સુધી ખોરવાયો હતો. બુધવારે રાત્રે અઢી વાગ્યે એરપોર્ટના રનવે પર નીલ ગાય આવી ગઈ હતી, જેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અરપોર્ટ ઓથોરિટીએ ભારે દોડધામ કરીને ફ્લાઈટનો ટ્રાફિક અટકાવી દીધો હતો. નીલ ગાયને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને CISFના જવાનોની મદદ લેવાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news