શું તમે 'સોનાની મિઠાઈ' ખાધી છે? આ રક્ષાબંધને રૂ.9000 ખર્ચીને ખરીદી શકો છો 1 Kg મિઠાઈ

શું તમે 'સોનાની મિઠાઈ' ખાધી છે? આ રક્ષાબંધને રૂ.9000 ખર્ચીને ખરીદી શકો છો 1 Kg મિઠાઈ

નવી દિલ્હીઃ ભારતમાં મિઠાઈઓ દરેક તહેવારનો એક ભાગ છે. હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. સૌથી પહેલો રક્ષાબંધનનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે કંદોઈઓ પણ અવનવી મિઠાઈઓ બનાવીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે 

સુરતમાં એક મિઠાઈની દુકાનવાળાએ '24 કેરેટ મિઠાઈ મેજિક' નામની મિઠાઈની એક નવી વેરાઈટી બનાવી છે. આ મિઠાઈનો સ્વાદ પણ તદ્દન નવો જ છે અને કદાચ તે સૌથી મોંઘી મિઠાઈ પણ હશે. એનએનઆઈના રિપોર્ટ પ્રમાણે, સુરતની આ મિઠાઈની દુકાનમાં આ નવી મિઠાઈનો ભાવ પ્રતિ કિલો રૂ.9,000 રાખવામાં આવ્યો છે. 

કદાચ મિઠાઈની કિંમત જાણીને તમે થોડા ચોંકી ગયા હશો. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ મિઠાઈ સંપૂર્ણ શુદ્ધ એવા 24 કેરેટ સોનાના વરખથી બનાવવામાં આવી છે. 

એક ગ્રાહકે એએનઆઈને જણાવ્યું કે, "હું જેવો દુકાનમાં પ્રવેશ્યો તો આ જોઈને ચકિત રહી ગયો હતો. દુકાનમાં રહેલા અન્ય ગ્રાહકોએ મને જણાવ્યું કે, આ મિઠાઈ આરોગ્ય માટે પણ સારી છે. સુરતના લોકો આ મિઠાઈને જરૂર ખરીદશે."

સોનાની મિઠાઈનો આઈડિયા કેવી રીતે આવ્યો તેના અંગે પુછતાં દુકાનના માલિક પ્રિન્સ મિઠાઈવાળાએ જણાવ્યું કે, "તેમણે સોનાના આરોગ્ય માટે રહેલા ફાયદાઓને ધ્યાનમાં રાખીને આ મિઠાઈ બનાવી છે. અમે ચાંદીના વરખના બદલે સોનાના વરખનો ઉપયોગ કર્યો છે. સોનું આરોગ્યની દૃષ્ટિએ ઘણું જ ફાયદાકારક હોય છે. વળી, અમારા સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે અને તેઓ સારી વસ્તુ પાછળ પૈસા ખર્ચ કરતાં ખચકાતા નથી." 

આ નવી મિઠાઈનું નામ "24 કેરેટ મિઠાઈ મેજિક" રાખવામાં આવ્યું છે અને અનેક ગ્રાહકો આ મિઠાઈ જોવા દુકાનમાં આવી રહ્યા છે. જોકે, કોઈ આ મિઠાઈ ખરીદીને ગયું છે કે નહીં તેની માહિતી મળી શકી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news