સિંહોના મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લઇ સરકારે 5 દિવસમાં તમામ સિંહોનું કર્યું સ્ક્રીનીંગ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશન પબ્લિક લીટીગેશન દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન તાજેતરમાં ગીરના ધારી, સરસીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મૃત્યુ અંગેની ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધ લેવાઇ છે

સિંહોના મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લઇ સરકારે 5 દિવસમાં તમામ સિંહોનું કર્યું સ્ક્રીનીંગ

ગાંધીનગર: ગીર પૂર્વ વિભાગ ધારીના દલખાણીયા રેન્જમાં થયેલા ૨૩ સિંહોના મૃત્યુના બનાવ બાદ વન વિભાગે તાકિદના પગલા લઇ સારવાર અને રેસ્કયુ કામગીરી હાથ ધરી છે. જેમાં વન વિભાગની ૧૫૦ ટીમો અને ૬૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા પાંચ દિવસમાં તમામ સિંહોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. 

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એ.કે.સકસેનાએ જણાવ્યું છે કે, ગીર પૂર્વ વિભાગ, ધારીના દલખાણીયા રેન્જમાં તાજેતરમાં જે ૨૩ સિંહોના મૃત્યુ થયા હતા. તે પૈકી ૧૪ સિંહોના મૃત્યુ સારવાર દરમિયાન થયા છે. સિંહના મૃત્યુ અન્વયે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મુખ્ય વન્ય જીવ સંરક્ષકની સીધી દેખરેખ હેઠળ ગીર રક્ષિત વિસ્તાર તેમજ બહાર વસતા તમામ સિંહોના સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરાઇ હતી. 

ગીરમાં નિવાસ કરતા સિંહોમાં વાયરસનો પ્રકાર રોકવા ૩૦૦ નંગ PUREVAX વેકસીન ભારત સરકારના સંકલનમાં રહી મંગાવવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં સેમરડી તથા પાણીયા વિસ્તારમાંથી રેસ્કયુ કરેલા ૩૩ સિંહને વેકસીનનો એક ડોઝ ૬ ઓકટોબરના રોજ આપવામાં આવ્યો હતો અને આ સિંહો તબીબી અવલોકન હેઠળ છે. એકજ વિસ્તારના સિંહોના મૃત્યુના પ્રમાણને ધ્યાને લઇ કેન્દ્ર સરકારની ટીમે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી.

સકસેનાએ કહ્યું કે, ઇન્ડીયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટિટયુટ બરેલી તથા દિલ્હી ઝુ અને સફારી પાર્ક ઇટાવા, ઉત્તર પ્રદેશના ૧૦ નિષ્ણાતોની ટીમે પણ ગીરની મુલાકાત લીધી હતી. આ ટીમે જસાધાર અને જામવાળાના રેસ્કયુ સેન્ટરની  મુલાકાત લઇ સ્થાનિક વેટરનરી ડોકટર સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મુખ્યત્વે નિષ્ણાતોની ટીમ અને રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં મોટી સંખ્યામાં સિંહોનું રેસ્કયુ કરી સારવાર સેન્ટર ઉપર લાવવાની કામગીરી, બિમાર અને સ્વસ્થ્ સિંહોની સારવારના દસ્તાવેજો, રીપોર્ટની જાળવણી, રેસ્કયુ સેન્ટરની સુવિધાઓની કરવામાં આવેલ તમામ કામગીરીની નિષ્ણાતોની ટીમે બિરદાવી હતી. 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશન પબ્લિક લીટીગેશન દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન તાજેતરમાં ગીરના ધારી, સરસીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મૃત્યુ અંગેની ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધ લેવાઇ છે અને તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તેમનો પક્ષ રજૂ કરવા માટે સૂચન થયું હતું તેના અનુસંધાને નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢ દ્વારા સોગંદનામું રજૂ કરાયું હતું અને રાજ્ય સરકારે લીધેલા પગલાની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. 

રાજ્ય સરકારના વન વિભાગની ૧૫૦ ટીમો અને ૬૦૦ કર્મચારીઓ દ્વારા પાંચ દિવસમાં ગીર રક્ષિત વિસ્તાર તેમજ બહાર વસતા તમામ સિંહોની સ્ક્રીનીંગની કામગીરી કરવામાં આવી છે. તેમજ વાયરસનો પ્રસાર રોકવા અને આ બિમારી અન્ય વિસ્તારમાં ન પ્રસરે તેના માટે નજીકના સિંહોને રેસ્કયુ કરી આઇસોલેટેડ કરવાની કામગીરી તથા તમામ સિંહોના લોહીના સેમ્પલ માટે વિશિષ્ઠ સંસ્થાઓ દ્વારા ચકાસણીની કામગીરી કરાઇ છે. 

ઉપરાંત વિદેશથી વેકસિન મેળવવાની કામગીરી તેમજ જ્યાં જરૂર પડે ત્યાં તાબડતોબ વેકસિન આપવાની કામગીરી, સાવચેતી સ્વરૂપે બનાવની જગ્યાએ ૨૦ કિ.મી.ની ત્રીજ્યામાં આશરે ૨૪૦ ચો.કિ.મી. વિસ્તારમાં ૪૦ જેટલા સિંહોના લોહીના સેમ્પલ મેળવીને ચકાસણીની કામગીરી તેમજ જરૂર પડે ત્યાં રસી આપવાની કામગીરી અને રાજ્ય સરકારના પશુપાલન વિભાગના સંપર્કમાં રહીને ગીર વિસ્તાર નજીકના ગામડાઓમાં માલ-ઢોરને રસીકરણ કરવાની મોટા પાયે કામગીરી હાથ ધરાઇ હતી. 

સકસેનાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશનનના કેસમાં તમામ પુરાવાઓ અને રજૂઆતને ધ્યાને લઇને ચૂકાદો અપાયો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ ટીમો કામે લગાડી સ્ક્રીનીંગની કામગીરી તેમજ અન્ય કામગીરી બાબતે ખાસ નોંધ લેવામાં આવી છે. અને વાયરસ ન પ્રસરે તે માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલા બાબતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news