સીએમ રૂપાણી સિવિલમાં ‘નન્હી પરી’ને મળ્યાં–દિકરી ખોળામાં તેડી સ્નેહ વરસાવ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની અનોખી શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે રાત્રે ૧૨ વાગ્યા પછી જન્મેલી નવી-નવેલી ‘નન્હી પરી’ એવી દિકરીઓને પિતૃસભર વાત્સલ્યભાવથી આવકારીને કરી હતી. મુખ્યમંત્રી આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 8, 2018, 01:27 PM IST
સીએમ રૂપાણી સિવિલમાં ‘નન્હી પરી’ને મળ્યાં–દિકરી ખોળામાં તેડી સ્નેહ વરસાવ્યું
ફોટો સાભારઃ ટ્વિટર

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની અનોખી શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે રાત્રે ૧૨ વાગ્યા પછી જન્મેલી નવી-નવેલી ‘નન્હી પરી’ એવી દિકરીઓને પિતૃસભર વાત્સલ્યભાવથી આવકારીને કરી હતી. મુખ્યમંત્રી આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સંગીતના સુમધુર વાતાવરણમાં દીકરી જન્મોત્સવની ઉજવણી નન્હી પરીઓને એક તરફ લક્ષ્‍મીજી અને બીજી તરફ સરસ્વતી માતાજીની મુદ્રા ધરાવતાં ચાંદીના પાંચ ગ્રામના સિક્કા અને ગુલાબનું ફુલ, મીઠાઇ, ઝભલું, ટોપી, મોજા અને સાબુ ધરાવતી મમતા કીટ આપીને કરી હતી.

વિજય રૂપાણી-CM –કોમન મેન જેમ પ્રસુતા વોર્ડમાં માતાઓ-નવજાત બાળકીઓને સામે ચાલીને મળવા ગયા હતા. તેમણે નવી જન્મેલી દિકરીઓને ખોળામાં લઇ સ્નેહ વરસાવ્યુ અને પિતૃવાત્સલ્ય વડીલ ભાવની સૌને સંવેદના સ્પર્શી અનુભૂતિ કરાવી હતી. તેમણે દીકરી વ્હાલનો દરીયો છે, આ દીકરીઓ પણ ભણી-ગણીને આગળ વધી સામાજિક, આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે સમાજનું નેતૃત્વ લે તેવી કામના કરી દીકરી પણ દીકરાઓ સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી એ નવજાત દીકરીઓના દરેક બેડ પર જઇ તબીયતની પૃચ્છા કરી દીકરીઓની માતાઓને દીકરી એ તો લક્ષ્‍મીજીનું સ્વરૂપ છે તેમ જણાવી ભવિષ્યમાં ભણાવી- ગણાવી સમાજમાં મોભાદાર સ્થાન આ દિકરીઓ મેળવે તે માટેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની તમામ મહિલાશક્તિને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું કે, આજે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી આજ રાતના ૧૨-૦૦ વાગ્યા સુધી જન્મેલી બાળકીઓનું રાજ્ય સરકાર નન્હી પરી તરીકે સન્માન કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિવિધ જિલ્લા હોસ્પિટલો ખાતે વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓ પણ નવજાત બાળકીઓનું નન્હી પરી તરીકે આજે સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીની આ મુલાકાત સમયે આરોગ્ય કમિશનર અને અગ્રસચિવજ્યંતિ રવિ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ એમ. એમ. પ્રભાકર, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો તથા કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.