3 નવા જિલ્લાઓમાં જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે સરકારે વિના મુલ્યે જમીનની ફાળવણી કરી

બોટાદ, મોરબીના કોઠારિયા અને દ્વારકાના ધતુરિયા ખાતે નવી વિદ્યાલય બનાવાશે, આ સાથે જ સરકારે લોજીસ્ટીક સેકટરને વધુ સુદ્રઢ બનાવવા અને વ્યાપ વધારવા અત્યાધુનિક કન્ટેનર ડેપોના નિર્માણ માટે રાજકોટ જિલ્લાના પરા પીપળીયા ખાતે ૧૨.૫૫ હેકટર જમીનની ફાળવણી

webmaster A | Updated: Sep 12, 2018, 07:25 PM IST
3 નવા જિલ્લાઓમાં જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે સરકારે વિના મુલ્યે જમીનની ફાળવણી કરી
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા બુધવારે નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે ત્રણ નવરચિત જિલ્લાઓમાં અને લોજિસ્ટિક સેક્ટરને વધુ સુદૃઢ બનાવવા અત્યાધુનિક કન્ટેનર ડેપોના નિર્માણ માટે રાજકોટ ખાતે પરા પીપળિયા ખાતે સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી છે. 

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં નવરચિત ત્રણ જિલ્લાઓમાં શિક્ષણને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજ્ય સરકારે ત્રણ નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે ૩૬.૪૨ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આ જમીન ફાળવવામાં આવશે. જેમાં બોટાદ જિલ્લાના બોટાદ ખાતે, મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરીયા ખાતે નિર્માણ થનાર આ વિદ્યાલયોને પ્રત્યેકને ૧૨.૧૪ હેકટર લેખે કુલ ૩૬.૪૨ હેકટર જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવશે.

રાજકોટના પરાપીપળિયામાં બનશે નવું કન્ટેનર ડેપો
મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, લોજીસ્ટીક સેકટરને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક કન્ટેનર ડેપોની જરૂરીયાતને પુરી કરવા રાજકોટ જિલ્લાના પરાપીપળીયા ખાતે ઈનલેન્ડ કન્ટેનર ડેપોનું નિર્માણ કરાશે. આ ડેપોનો વિકાસ કરવા માટે ભારતીય કન્ટેનર નિગમ લીમિટેડ, અમદાવાદને ૧૨.૫૫ હેકટર જમીન પ્રવર્તમાન નીતિ મુજબ ફાળવવામાં આવશે. માલના વહન માટે જેમાં કન્ટેનરોના લોડીંગ માટે રેલ સાઈડીંગ, કન્ટેનર યાર્ડ, આયાત-નિર્યાત કાર્ગો વેયર હાઉસ, કન્ટેનર એન્ડ કાર્ગો હેન્ડલીંગ, કસ્ટમ ડીપાર્ટમેન્ટ ઓફીસ, કન્ટેનર રીપેયર વર્કશોપ, ટ્રેડ ફેસીલીટેશન ઝોન સહીતની વિવિધ આંતરમાળખાકીય સવલતો નિર્માણ કરાશે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયા કિનારો ઘરાવે છે અને સમગ્ર દેશમાં પોર્ટ ઓપરેશનની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે અત્યારે હરીફાઈ કરી રહ્યું છે. રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો પણ સ્થપાઈ રહ્યા છે. દેશમાં આયાત-નિકાસ માટે હવે ગુજરાતના બંદરો વૈશ્વિક સ્પર્ધામાં આવી ગયા છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close