રાજ્ય સરકારે નક્કી કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના દર, જાણો અહીંના આકર્ષણો વિશે

કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમની બરાબર સામે સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાયું છે 

રાજ્ય સરકારે નક્કી કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના દર, જાણો અહીંના આકર્ષણો વિશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના દર નક્કી કર્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની આ પ્રતિમાનું રાષ્ટ્રાર્પણ કરાયું હતું. આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટીકીટમાં બસની ટીકટ બાળકો અને પુખ્ત વયની વ્યક્તી માટે રૂ.30 રાખવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ માટેનો ટિકિટનો દર બાળકો માટે રૂ. 60 અને પુખ્તો માટે રૂ.120 નક્કી કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદરના ભાગે બનાવવામાં આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી જવા માટે બાળકોની ટિકિટનો દર રૂ. 200, જયારે પુખ્તો માટે રૂ.350નો દર નક્કી કરાયો છે. 

રાજ્ય સરકારે જણાવ્યું છે કે, 3 થી 15 વર્ષની વયજૂથને બાળક ગણવામાં આવશે, જ્યારે 15 વર્ષથી વધુની ઉંમર ધરાવતી તમામ વ્યક્તિને પુખ્ત ગણવામાં આવશે. ટિકિટના વેચાણનો સમય સવારે 8.30 થી બપોરે 4.00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. 3 નવેમ્બરથી આ દર લાગુ થઈ જશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં આકર્ષણો 
- વિશ્વની સૌથી ઊંચી (182 મીટર) સરદાર પટેલની તાંબાથી બનેલી પ્રતિમા 
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદર બનેલી વ્યુઈંગ ગેલેરી, જ્યાં પહોંચીને તમને સરદાર સરોવર ડેમ, ડેમનો વિશાવ કેચમેન્ટ એરિયા, સતપૂડા અને વિંદ્યાચળ પર્વતમાળાઓનો સુંદર નજારો દેખાશે 
- વિશાળ મ્યુઝિયમ/ પ્રદર્શન હોલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને દેશ માટે આપેલા યોગદાનનું પ્રદર્શન
- સરદાર પટેલની યાદમાં બનાવવામાં આવેલી ફ્લાવર વેલી 
- મનોરંજન માટે વિશાળ પ્લાઝા જેમાં નાસ્તા-પાણીની સુવિધાઓ અને સુંદર બગીચો, ગિફ્ટ શોપ્સ સહિતની સુવિધાઓ 

ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી દેખાશે અદભૂત નજારો 
નદીથી 500 ફૂટની ઊંચાઈએ એક ઓબ્ઝર્વેશન ડેસ્ક બનાવાશે, જેમાં એકસાથે 200 લોકો સમાઈ શકશે. અહીંથી લોકોને સતપુડા અને વિંદ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો દેખાશે, 212 કિમી લાંબો સરદાર સરોવર ડેમનો સંગ્રહક્ષેત્ર જોવા મળશે અને 12 કિમી લાંબો ગરૂડેશ્વર સંગ્રહસ્થળ પણ અહીંથી દેખાશે. 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે. તેની ઉંચાઈ 182 મીટર છે. અત્યારે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ છે, જે ચીનમાં આવેલું છે. તેની ઉંચાઈ 153 મીટર છે. ત્યારબાદ જાપાનની ઉશિકુ દાઇબુત્સુ 120 મીટરની સાથે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ રશિયામાં આવેલી છે. તેની ઉંચાઈ 85 મીટર છે. 36.6 મીટરની ઉંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઉંચી પ્રતિમાં છે. 

નિર્માણ સામગ્રી 
કોંક્રિટ - 75,000 ક્યુબિક મીટર
સ્ટીલનું માળખું - 5,700 મેટ્રિક ટન 
રિઈન્ફોર્સ્ડ સ્ટીલના સળિયા - 18,500 ટન 
તાંબાનું પતરું - 22,500 ટન 

કેવી રીતે પહોંચવું
રોડ ટ્રીપના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહેશે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ એવન્યુ જેવા રસ્તાઓ જોવા મળશે. રાજ્યના કેન્દ્ર ગણાતા નર્મદા જિલ્લાના હાઈવે નંબર 11 દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સુધી પહોંચી શકાશે. જો તમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા હોવ તો મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો. જ્યાંથી આગળ વધી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news