72 કલાકના અલ્ટીમેટમ બાદ લાલજી પટેલ દ્વારા નવા કાર્યક્રમોની જાહેરાત

સાબરકાંઠામાં પાટીદાર મહાસંમેલન યોજાશે, સરદારપુરથી વિજાપુર સુધી યાત્રા નીકળશે, શાંતિપૂર્ણ કાર્યક્રમો આપવાની જાહેરાત 

72 કલાકના અલ્ટીમેટમ બાદ લાલજી પટેલ દ્વારા નવા કાર્યક્રમોની જાહેરાત

ગૌરવ પટેલ/ગાંધીનગરઃ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે ઉમિયાધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જેરામભાઈના નિવેદન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, સરકારને આપેલું અમારું 72 કલાકનું અલ્ટીમેટમ પુરું થયા બાદ હવે વડિલોનું માન રાખીને શાંતિ પૂર્ણ માહોલમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. અલ્પેશ કથીરીયાને જેલમુક્તિની માગ સાથે જેલભરો પાર્ટ ટુ કાર્યક્રમ હાલ મોકુફ રખાયો છે. આ સિવાયના અન્ય કાર્યક્રમો યથાવત રહેશે. તેમણે સાબરકાંઠામાં સમાજના તમામ આગેવાનોને સાથે લઈને પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. 

લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, સાડા ત્રણ વર્ષથી ચાલતા આંદોલનની કોઇ માગણી સરકારે સ્વીકારી નથી. હાર્દિકના ઉપવાસ આંદોલન બાદ પણ સરકારના પેટનું પાણી હલ્યું નથી. અમારું 72 કલાકનું અલ્ટીમેટમ પુરું થયા બાદ 6 પાટીદાર સંસ્થાઓ દ્વારા ટેલીફોનીક વાતચીતમાં ઉગ્ર આંદોલન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. જેને અમે શિરોમાન્ય રાખીએ છીએ. તેમની વિનંતીને અનુલક્ષીને હવે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં હાર્દિક સહિત સમાજના તમામ આગેવાનોને સાથે લઈને આગળ વધવામાં આવશે. 

લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, સરકાર અમારા વડીલો સાથેની બેઠકમાં કહે છે કે બંધારણીય રીતે અનામત મળી શકે એમ નથી. જોકે પાટીદાર સમાજના ઘણા તજજ્ઞો છે તેમની સાથેના મુદ્દા સમજી અનામત આપી શકાય તેમ છે. 6 પાટીદાર સંસ્થાના આગેવાનોની જે ચર્ચા થાય તેમની સાથે સહમત રહીશું. વડીલોની સરકાર સાથેની ચર્ચા એસપીજી સ્વીકારશે. 

રાજ્ય સરકાર ઘણી વાર બે મોઢાની વાત કરે છે. સરકારની વોટ બેંક તુટતી હોવાથી તે 49 ટકામાં પાટીદારને અનામત આપવા માંગતા નથી. અનામત માટે રાહુલ ગાંધીને પત્ર લખીને સરકાર પર દબાણ કરવા કહેવાયું છે. આ સાથે જ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ પત્ર લખ્યો છે. અમારી લડાઇ વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટેની છે. એસપીજીએ ક્યારેય પાસ કે એસપીજીનો ભેદ રાખ્યો નથી. માત્ર વિખવાદ ઊભો કરવા અને એસપીજીને બદનામ કરવા વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. અમે ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજ સાથે પણ અનામત અંગે ચર્ચા કરીશું. 

લાલજી પટેલ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો
- સરદાર પુરથી વિજાપુર સુધીની યાત્રા
- બનાસકાંઠા ખાતેથી પાટીદાર યાત્રા નીકળશે
- સાબરકાંઠા ખાતે પાટીદાર મહાસંમેલન યોજાશે
- ૫૮ સમાજના લોકોને અનામત મળતી નથી તેમની ટીમ બનાવાશે
- જો માગણીઓ નહી સ્વિકારાય તો પાટીદાર સમાજ અને સવર્ણ સમાજને સરકાર વિરૂધ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે

એસપીજીના જ પુર્વિન પટેલે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર અમારી માગણીઓ પુરી નહીં કરે તો પોલીસે કરેલા દમન ને યાદ કરી ભગતસિંહ જેવા કાર્યક્રમ આપવામાં આવશે. અમે અગામી દિવસે રક્તથી સરકારનો અભિષેક કરીશું. સમાજના હોદ્દેદારો એક બોટલમાં રક્ત એકઠું કરી આશ્ચર્યજનક ક્રાર્યક્રમ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news