VIDEO: પુણે હિંસાના ગુજરાતમાં પડઘા, સુરત-વાપીમાં મોટા પાયે અસર

 વાપીમાં RPIના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. ટાયરો સળગાવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. 

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 03:30 PM IST
VIDEO: પુણે હિંસાના ગુજરાતમાં પડઘા, સુરત-વાપીમાં મોટા પાયે અસર

વાપી/સુરત: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાના કારણે મહારાષ્ટ્રમાં ફરી એકવાર જાતિગત તણાવ ઊભો થયો છે. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રાજ્ય સરકાર દ્વારા દલિતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા રોકવામાં નિષ્ફળ જવાને મુદ્દો બનાવીને આજે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શન જારી છે. સુરક્ષા કારણોસર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ છે. પ્રદર્શનના પગલે રાજ્યમાં બસ અને રેલ સેવા ઉપર ઊંડી અસર પડી છે. આ હિંસાની ઘટનાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. વાપીમાં RPIના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. ટાયરો સળગાવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. 

મહારાષ્ટ્રના તણાવની અસર વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મોટા પાયે જોવા મળી રહી છે. વાપીની 3 હજારથી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. અનેક ટ્રકો મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અટવાઈ છે. લોડીંગ ટ્રકો સાથે ડ્રાઈવરો અને ક્લીનરો પણ અધવચ્ચે અટવાઈ જતા ટ્રાન્સપોર્ટરોના જીવ અધ્ધર થયા છે. વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન થયું છે. વાપી અને વલસાડ ડેપોથી મહારાષ્ટ્ર જતી બસોને રદ કરાઈ છે. વાપી સ્ટેશને ટ્રેન રોકવાના પણ પ્રયત્નો થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. 

આ બાજુ સુરતમાં પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સુરતના ઉધનામાં મોટી સંખ્યામાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. લોકોના ટોળે ટોળા ભાજપના કાર્યાલય પહોંચ્યા હતાં. સુરતના રિંગ રોડ પર આંબેડકરના પુતળા પાસે ચક્કાજામ પણ કરાયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ દલિત સમાજ દ્વારા આવતી કાલે સુરત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. રિંગ રોડ પર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે આવતી કાલે ધારણા ધરવામાં આવશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close