ઉત્તર ગુજરાતનું મોરપીંછ એટલે મહેસાણા... આ જિલ્લાનો દબદબો નોખો છે

ઉત્તર ગુજરાતનું મોરપીંછ એટલે મહેસાણા... આ જિલ્લાનો દબદબો નોખો છે

9 તાલુકાઓનો બનેલો મહેસાણા જિલ્લો અનેક વિશેષતાઓ ધરબીને બેસ્યો છે. આ જિલ્લાની અન્ય મોટી ખાસિયત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આ ગૃહ જિલ્લો છે. મહેસાણા પાટીદારોનું વર્ચસ્વ ધરાવતો જિલ્લો ગણાય છે. ત્યારે મહેસાણા જિલ્લાની ખાસિયતો છે જાણવા જેવી.. મહેસાણા કદમાં મધ્યમકક્ષાનું શહેર છે. એ અમદાવાદ જેટલું ધમધમતું નથી, વડોદરા જેટલું સાંસ્કૃતિક નથી, સુરત જેટલું બહુરંગી નથી કે રાજકોટ જેટલું ઝડપી નથી. પરંતુ તેમ છતાં મહેસાણાની આગવી વિશેષતા છે.

મહેસાણાનો ઈતિહાસ
ગાયકવાડોએ તેમનું રાજય વડોદરામાં સ્થાપ્યુ ત્યારે ઉત્તર ગુજરાતમાં વહીવટ માટે રાજધાનીની પસંદગી પાટણ ઉપર ઉતારી હતી. આ સ્થળ તેમને દૂર પડતુ હતું, તેથી તેઓએ ઉત્તર પ્રાંતના વડા મથક તરીકે પ્રાચીન શહેર કડીને વડુ મથક બનાવ્યુ હતું. સલ્તનતકાળથી “કિલ્લેકડી” તરીકે કડી પ્રાંત અસ્‍તિત્વમાં હતો. 1902માં ગાયકવાડ પ્રાંતનું વડુ મથક મહેસાણા લાવ્યા અને દહેગામ, આતરસુબા, કડી, પાટણ, વડનગર, વિસનગર, ખેરાલુ અને વિજાપુર એમ ૮ મહાલમાં ઉત્તર પ્રાંતને વહેંચવામાં આવ્યો. 
 Unjha_umiya_mandir.jpg
મહેસાણાની ખાસિયત

  •  ઘઉંના વાવેતર પ્રથમ તથા ઉત્પાદનમાં ગુજરાતમાં બીજું સ્થાન મહેસાણા જિલ્લાનું છે. 
  •  મહેસાણામાં આવેલ ઊંઝા તાલુકામાં એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આવેલું છે. તે જીરાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર ગણાય છે. પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનું મંદિર પણ અહીં જ આવેલું છે.
  •  મહેસાણી ભેંસ જાણીતી છે. ભેંસની આ પ્રજાતિ વધુ દૂધ આપતી હોવાથી આ જિલ્લો દૂધ ઉત્પાદનમાં પણ મોખરે ગણાય છે. 
  •  મહેસાણાના ફૂદેડાના ચપ્પા વર્લ્ડ ફેમસ છે. અહીં ફૂદેડા ગામમાં ચપ્પા બનાવવામાં આવે છે. 
  •  મહેસાણાના લાંઘણજ ખાતે પ્રાગ ઐતિહાસિક કાળનાત થા કોટ પેઢામલી ખાતે હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા.
  •  ગુજરાતનો પ્રખ્યાત તાના-રીરી મહોત્સવ પણ અહીં જ થાય છે. 
  •  મહેસાણા છોકરાઓ સામે છોકરીઓના ઓછા જન્મદરની સમસ્યાનો સામનો કરી રહેલો જિલ્લો છે.
  •  મહેસાણાની ધરતીના પેટાળમાં ખનીજ તેલનાં ભંડાર પણ મળ્યા છે.

જોવાલાયક સ્થળો

મહેસાણાનું સૌથી મોટું જોવાલાયક સ્થળ એટલે મોઢેરાનું સૂર્ય મંદિર. ભગવાન સૂર્યને સમર્પિત આ મંદિર એક હેરિટેજ સાઈટ છે, જ્યાં દેશવિદેશમાંથી લાખો સહેલાણીઓ ઉમટતા હોય છે. સન 1026 સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભારતમાં ત્રણ સૂર્ય મંદિર છે જેમાં પહેલું ઓડીસાનું કોર્ણાક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તન્ડ મંદિર અને ત્રીજું ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર. શિલ્પકલાનો અદ્ભૂત ઉદાહરણ પ્રસ્તુત કરવાવાળું આ વિશ્વપ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે પુરા મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઊત્તર ગુજરાતનું પ્રખ્યાત બહુચરાજી મંદિર પણ મહેસાણા જિલ્લામાં જ આવેલું છે.  

FotorCreated9.jpg

મહેસાણાઃ નગર નાનું પણ રાજકીય કદ મોટું

ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતું મહેસાણા સમગ્ર ગુજરાતની રાજકીય ગતિવિધિમાં હંમેશાં નિર્ણાયક મનાતું રહ્યું છે. ડેરીઉદ્યોગ અને બેન્કિંગમાં સહકારી ક્ષેત્રે નમૂનેદાર કામગીરી આપનાર મહેસાણાની રાજનીતિમાં પણ આ બે ક્ષેત્રો કાયમી પ્રભાવશાળી રહ્યા છે. એક સમયે માનસિંહ ચૌધરી, ઈશ્વરભાઈ પટેલ જેવા સહકારી ક્ષેત્રના દિગ્ગજો થકી ઘડાતી રહેલી રાજનીતિની પરંપરા મહેસાણામાં આજે પણ સહકારી ક્ષેત્રની ગલીમાંથી જ સત્તાના રાજમાર્ગ તરફ દોરાતી રહી છે. મહેસાણા કદમાં મધ્યમકક્ષાનું શહેર છે. એ અમદાવાદ જેટલું ધમધમતું નથી, વડોદરા જેટલું સાંસ્કૃતિક નથી, સુરત જેટલું બહુરંગી નથી કે રાજકોટ જેટલું ઝડપી નથી. પરંતુ તેમ છતાં મહેસાણાની આગવી વિશેષતા એ છે કે એ રાજકીય દૃષ્ટિએ અત્યંત જાગૃત નાગરિકોનું શહેર છે. માટે જ મહેસાણાને, મહેસાણાના મિજાજને નજરઅંદાજ કરવો એકપણ રાજકીય પક્ષને પોસાતો નથી. મહેસાણાનો રાજકીય દૃષ્ટિકોણ પણ અત્યંત નિરાળો છે. એક સમયે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ભારતમાં ભાજપને માત્ર 2 જ બેઠક મળી હતી ત્યારે એમાંની 1 બેઠક આપનાર મહેસાણા હતું અને એ જ મહેસાણા ભાજપની ચડતી કળા વખતે કોંગ્રેસના જીવાભાઈ પટેલને ય જીતાડી શકે છે. હાલ પણ મહેસાણાનો રાજકીય મિજાજ કળવો કઠીન ગણાય છે. અહીં ચૂંટણી લડતો દરેક ઉમેદવાર સામ, દામ, દંડ, ભેદ ઉપરાંત નસીબ નામના પાંચમા પાસા પર વધુ આધારિત હોય છે. હાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં મહેસાણાનું પ્રતિનિધિત્વ કરે છે. પાટીદાર આંદોલનનું એપિસેન્ટર પણ મહેસાણા જ રહ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મહેસાણાનો મિજાજ નિર્ણાયક બની રહેશે એ નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news