વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ

હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો છે, દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવી 

વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ

તુષાર પટેલ, વડોદરાઃ રાજ્યના વડોદરાના આજવા રોડ ખાતે આવેલા એક્તા નગરમાં રહેતા મુસ્લિમ યુવાને ગણેશ ભગવાનની એક અનોખી મૂર્તિ બનાવી છે. તેણે માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા બનાવવા માટે માચીસની 12,000 સળીઓનો ઉપયોગ થયો છે. 

દેશમાં કોમી એક્તા, શાંતિ અને ભાઈચારાની અપીલનો સંદેશો આપવા માટે મુસ્લિમ યુવકે માચિસની સળીથી ગણેશજીની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો હતો. મૂર્તિ બનાવનારા હુસેનખાન પઠાણનો મુખ્ય વ્યવસ્યા સાઈકલ રિપેરિંગ છે. 

હુસેનખાન ચોથું ધોરણ પાસ છે. આ મૂર્તિ બનાવવામાં હુસેન ખાનને ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. હુસેન ખાનના પિતા આબિદ ખાન પઠાણ સાઈકલની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. પરિવારની સ્થિતી એટલી સારી નથી કે તે પોતાના પુત્રની આ કળાને આગળ લઈ જવામાં પ્રોત્સાહન આપે. 

માચિસની સળીથી પ્રતિમા બનાવવા પાછળનો તમામ ખર્ચ હુસેન ખાનના પિતા આબિદ હુસેને ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, પુત્રના આ કામથી તેઓ ખુબ જ ખુશ થયા છે. અલ્લાહને પ્રાર્થના છે કે, તેમના પુત્રને આ કળામાં સફળતા અપાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news