VIDEO 'કોંગ્રેસીઓ થાપ ખાઈ ગયા', મને કોઈ સમજાવટ કરે કે લલચાવે તે શક્ય નથી-નીતિન પટેલ

ગુજરાતમાં નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણી સરકારમાં શરૂઆતથી જ સમસ્યા ઉભી થઈ ગઈ હતી પણ હવે એનો નિવેડો આવી ગયો છે. 

VIDEO 'કોંગ્રેસીઓ થાપ ખાઈ ગયા', મને કોઈ સમજાવટ  કરે કે લલચાવે તે શક્ય નથી-નીતિન પટેલ

અમદાવાદ : ગુજરાતમાં નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણી સરકારમાં શરૂઆતથી જ સમસ્યા ઉભી થઈ ગઈ હતી પણ હવે એનો નિવેડો આવી ગયો છે. હકીકતમાં નવા મંત્રીમંડળમાં ખાતાફાળવણીમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પાસેથી ફાઈનાન્સ, શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ ત્રણ મહત્વના ખાતા લઈ લેવાતા તેઓ જબરદસ્ત નારાજ થઈ ગયા હતા અને પોતાના પદનો ચાર્જ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ નવા વર્ષના આખરી દિવસે આ સમસ્યાનો પણ અંત આવી ગયો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આખરે નીતિન પટેલને નાણા મંત્રાલય સોંપી દેવાની જાહેરાત કરી છે. નીતિન પટેલ પહેલા નાણાં ખાતુ સૌરભ પટેલને સોંપાયેલું હતું. નીતિન પટેલની નારાજગીને લઈને વિરોધીઓ થોડા સમય માટે ગેલમાં પણ આવી ગયા હતાં.  કોંગ્રેસ અને પાસ નેતા હાર્દિક પટેલે પણ નીતિન પટેલ મુદ્દે ભાજપને સાણસામાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ આ અંગે નીતિન પટેલે શું પ્રતિક્રિયા આપી તે જાણો. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પક્ષથી અલગ જઈ શકે નહીં. 

કોંગ્રેસીઓ થાપ ખાઈ ગયા-નીતિન પટેલ 
નીતિન પટેલે ઝી 24 કલાક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે પક્ષ દ્વારા તેમને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રજાલક્ષી કામો કરીને ગુજરાતને વધુમાં વધુ લાભ થાય તેવી કામગીરી  કરીશ. નીતિન પટેલ સાથે વાતચીતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે અન્યોએ અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું હતું કે 'તેમનો મૂડ જોઈને કોંગ્રેસના મોંઢામાં પાણી આવી ગયું હતું' તો તેમણે જવાબ આપ્યો કે વિજયભાઈએ સાચુ કહ્યું છે પરંતુ કોંગ્રેસીઓ થાપ  ખાઈ ગયા કે મારા વિશે તેમણે સત્તા મેળવવાનું હું પગલું લઈશ તેવી કલ્પના કરી, જે તેમના માટે ખોટી હતી. હું હંમેશા અનેક કાર્યકરોની પક્ષ માટે સમજાવટ કરતો હોઉ છું. ત્યારે મને કોઈ સમજાવટ કરે કે લલચાવે તે કોઈ રીતે શક્ય નથી. ભૂતકાળમાં જ્યારે ભાજપના વિપરિત સંજોગો હતાં, અગાઉ રાજપાનો જે પ્રસંગ બન્યો હતો, રાજપાની સરકાર અસ્તિત્વમાં આવી હતી ત્યારે મને અનેક ઓફરો કરવામાં આવી હતી તે વખતે વિરોધ પક્ષમાં હું રહ્યો, વિપરિત સંજોગોમાં હું રહ્યો તો પણ મેં સત્તાલક્ષી ઓફર કોઈની કયારેય સ્વીકારી નથી. મારા માટે સત્તા એ માધ્યમ નથી. મારા માટે માધ્યમ એ પહેલો અમારો પક્ષ છે. પક્ષ દ્વારા જે કામ થાય તે કરવાનું મારું લક્ષ છે. 

રવિવારે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કરી હતી નારાજગીના અંતની જાહેરાત
અત્રે જણાવવાનું કે ખાતાની ફાળવણીથી નારાજ નીતિન પટેલની નારાજગીનો આખરે અંત આ્વ્યો છે. રવિવારે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે 'મેં મારી લાગણી પાર્ટી હાઇકમાન્ડને જણાવી છે અને મને માનસમ્માન સાથે અનુકુળ ખાતાની ફાળવણીનું આશ્વાસન આપ્યું છે. મને વરિષ્ઠ મંત્રી તરીકે બે નંબરનું સ્થાન અપાયું છે, કયા કારણોસર મારી પાસેથી ખાતા પરત લઇ લેવામાં આવ્યા જેને લઇને મે સીએમ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી હતી. ત્યારબાદ સીએમ અમે હાઇકમાન્ડે મને યોગ્ય ખાતાની ફાળવણીનું આશ્વાસન આપ્યુ હતું. મે કહ્યું હતું કે, મને યોગ્ય ખાતા ન મળે તો મંત્રી મંડળમાંથી મુક્ત કરવામાં આવે. હું બપોરે ગાંધીનગર જઇને મારા મંત્રાલયનો ચાર્જ સંભાળી લઇશ, મને પાર્ટી કે કોઇ સાથે વાંધો નથી. હું સત્તા માટે નથી આવ્યો પણ માન સમ્માન પ્રમાણે ખાતું સોંપાય એવી આશા રાખું છે.' નીતિન પટેલે આ નિવેદન પછી આખરે તેમનો ચાર્જ સંભાળી પણ લીધો છે.

મનાવવા કરી હતી ભારે મહેનત
રિસામણે બેસેલા નાયબ મુખ્યમંત્રીને મનાવવા માટે ભાજપની ટોચની નેતાગીરી કામે લાગી ગઈ હતી. દિવસભર સમર્થકોની મુલાકાતોથી ઘેરાયેલા નીતિન પટેલને સમજાવવા માટે ઈસ્કોન નજીક દસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના નિવાસસ્થાને સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામા, કૌશિક પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી હતી. દરમિયાનમાં મોડી રાત્રે દિલ્હીથી આવેલ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામમંત્રી વી. સતિષ અમદાવાદ દોડી આવ્યા છે અને સર્કિટ હાઉસમાં નીતિન પટેલ સાથે બેઠક કરી હોવાની પણ ચર્ચા છે. 

શું કહ્યું હતું કોંગ્રેસે?
હાલમાં જાહેર થયેલા એક સમાચાર પ્રમાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનારા નીતિન પટેલે વિદ્રોહની ધમકી આપી હતી. આ વિવાદ પછી હાર્દિક પટેલે ખુલ્લેઆમ નીતિન પટેલને ટેકો આપ્યો હતો. હવે કોંગ્રેસે પણ નીતિન પટેલને પોતાને ટેકો આપવા ઓફર કરી છે. માધ્યમોના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, જો નીતિન પટેલ અને ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપતા હોય તો રાજ્યના હિત માટે અમે સરકાર બનાવવા તૈયાર છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news