હવે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે પણ ખાવા મળશે જેલના ભજીયા

રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જેલ ભજીયા સેન્ટર ખોલ્યું, જન્મટીપની સજા કાપી રહેલા કેદીઓ બનાવી રહ્યા છે ભજીયા

હવે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે પણ ખાવા મળશે જેલના ભજીયા

જયેશ દોશી/નર્મદાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોવા માટે હવે પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. આ પ્રવાસીઓના ખાન-પાનની ચિંતા તંત્રની સાથે સાથે પોલીસ વિભાગે પણ કરી છે. અહીં વ્યુ પોઇન્ટ ન-1 પરથી નર્મદા બંધનો નજારો દેખાય છે, ત્યાં પાર્કિંગ પાસે ફૂડ કોર્ટ બનવાવમાં આવી છે. અહીં પોલિસ વિભાગ દ્વારા ભજીયા હાઉસ ખોલવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજપીપળામાં જન્મટીપની સજા ભોગવતા કેદીઓ દ્વારા ભજીયા બનાવીને વેચવામાં આવી રહ્યા છે. 

સરકારની યોજના મુજબ કેદીઓ પણ સારું જીવન જીવી શકે અને સજા પુરી કર્યા બાદ ગૌરવભેર જીવન વિતાવી શકે તે માટે જન્મટીપની સજા ભોગવતા કેદીઓને જેલમાંજ વ્યવસાય શીખવવામાં આવે છે. ખાનપાનની ચીજ બનવનારા કેદીઓ નાણાંની સાથે નામ પણ કમાતા થયા છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા ખુબજ પ્રખ્યાત છે. હવે તેમાંથી જ પ્રેરણા લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ જેલ ભજીયા હાઉસ ખોલવામાં આવ્યું છે. અહીં, રાજપીપળાના 3, અમદાવાદના 5 અને વડોદરાના 5 કેદીઓ દ્વારા ભજીયા બનાવી વેચવામાં આવીરહ્યા છે. 

નર્મદા જિલ્લાના એસપી અચલ ત્યાગીએ આ અંગે જણાવ્યું કે, ગૃહ વિભાગ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. કેદી ઉત્પાદક કાર્યમાં પ્રવૃત્ત રહે તેના માટે તેને વિવિધ વ્યવસાયની તાલીમ આપવામાં આવે છે. અહીંના ભજીયા હાઉસમાં ભજીયાની સાથે નાસ્તાની વિવિધ આઈટમોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 

અહીં કેન્દ્રના સંચાલક અને વડોદરાના પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ તડવીના જણાવ્યા અનુસાર, જે કેદીઓની વર્તણુક સારી હોય અને જેની સજામાં માત્ર એક કે બે વર્ષ બાકી હોય તેવા આજીવન કેદની સજા કાપી રહેલા કેદીઓને જે કામમાં રૂચી હોય તે અપાય છે. અહીં સ્ટેટ્યૂ પાસે અમદાવાદના 5, વડોદરાના 5 અને રાજપીપળાના 3 કેદી દ્વારા બટાકા, મેથી, ડૂંગણી અને મરચાના ભજીયા બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 

આ કેદીઓને અહીં સવારે 9 થી સાંજના 6 સુધી રાખવામાં આવે છે અને ત્યાર બાદ રાતવાસો રાજપીપળાની જેલમાં કરાવાય છે. તેમને સંપૂર્ણ સુરક્ષા હેઠળ અહીં લાવવામાં આવે છે. જે આવક થાય છે તેમાંથી તેમના વેતન રૂપે નક્કી થયેલ નાણાં તેમના બેન્ક ખાતામાં જમા કરાવાય છે. આ રૂપિયા તેમની સજા પૂરી થાય ત્યાર બાદ તેમને ચૂકવવામાં આવે છે. 

ભજીયા બનાવનારા કેદી વિક્રમ પટેલિયાએ જણાવ્યું કે, અમે આ કામ અમદાવાદ અને વડોદરામાં શીખ્યા હતા. આ કામમાં અમને ખુબજ આનંદ આવે છે. અહીં આવતા પ્રવાસીઓ અમારા ભજીયા ખાઈને સંતુષ્ટ થાય છે તે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news