રથયાત્રામાં શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસનો માસ્ટરપ્લાન, કોઈ નહીં કરી શકે ચૂં કે ચાં
141મી રથયાત્રાને હવે માત્ર પંદર જ દિવસ બાકી છે
Trending Photos
હર્મેશ સુખડિયા/અમદાવાદ : 141મી રથયાત્રાને હવે માત્ર પંદર જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી ગઇ છે અને પ્રિ એક્શન પ્લાન પોલીસે ઘડી દીધો છે. આ પ્લાનિંગના ભાગરૂપે થોડા દિવસોમાં જ કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. આ વખતે પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ આયોજનના ભાગરૂપે શરૂઆતમાં તો પોલીસ શાંતિ સમિતીના લોકો સાથે મિટીંગ કરતી હોય છે અને પછી એક્શન પ્લાન ઘડે છે. આ આયોજન થઈ ગયા પછી રૂટ પર કેવી રીતે બંદોબસ્ત જાળવવો તેની પણ તૈયારી કરાતી હોય છે. હાલમાં રૂટમાં આવતા દરિયાપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. શાંતિ જાળવવાની તૈયારીના ભાગરૂપે આ વિસ્તારમાં 49 કેમેરા લગાવેલા જ હતા પણ હવે પોલીસે વધુ 16 કેમેરા લગાવ્યા છે. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.
આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ધાબા ચેકિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાશે. આ સિવાય બહારથી આવેલી આરએએફ તથા અન્ય ફોર્સ સાથે રાખીને પેટ્રોલિંગ પણ કરાશે. અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ તે પૂર્વે જેઠ સુદ પૂનમ એટલે કે 28 જુનના રોજ જગન્નાથજી મંદિરેથી નીકળશે જલયાત્રા. આ યાત્રા પણ 151 ધ્વજા પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે નીકળતી હોવાથી યાત્રાને કહેવાય છે નાની રથયાત્રા. જલયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે જશે. ત્યાંથી 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે