અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે તંત્ર અને વેપારીઓ આમને-સામને

શનિવારે વેપારીઓએ અંબાજીમાં સંપૂર્ણ બંધ પાળ્યો, જ્યાં સુધી તંત્ર પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ પાછો ન ખેંચે ત્યાં સુધી બંધ પાળવાની ચીમકી, સામે પક્ષે તંત્ર પણ પ્રતિબંધ પાછો ખેંચવા તૈયાર નથી

અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે તંત્ર અને વેપારીઓ આમને-સામને

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો છે. આ પ્રતિબંધના વિરોધમાં શનિવારે વેપારીઓએ બંધ રાખીને વિરોધ કર્યો હતો. વેપારીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર ટાયર સળગાવ્યા હતા અને વાહનો રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે ભાદરવી પૂનમે અંબાજીમાં ભરાતા મેળામાં વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે  

શનિવારે યાત્રાધામ અંબાજીના બજારો સુમસામ ભાસતા હતા. અત્યારે ભાદરવી પુનમ નજીક આવી રહી છે ત્યારે પગપાળા યાત્રીઓનો ધસારો પણ વધી ગયો છે. એવા સંજોગોમાં તંત્ર દ્વારા અંબાજીમાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં વેપારીઓએ શનિવારે બંધ પાળીને વિરોધ કર્યો હતો. 

વેપારીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ચક્કાજામ કર્યું હતું અને રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વેપારીઓના ટોળાને વિખરવાનો પ્રયાસ કરતા પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના પરિણામે પોલીસને હલવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

એક તરફ વહીવટી તંત્ર પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ લાગુ રાખવા માટે મક્કમ છે તો બીજી તરફ વેપારીઓએ પણ જ્યાં સુધી પ્લાસ્ટિક પર લગાવાયેલો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાવાની ચિમકી આપી છે. જોકે ભાદરવી પૂનમે અંબાજીમાં ભરાતા મેળામાં વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ દુર કરવાની જાહેરાત કરાઈ છે, પરંતુ વેપારીઓ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કાયમી ધોરણે દૂર કરવાની માગ કરી રહ્યા છે. 

આજે, કેન્દ્ર સરકારે જળવાયુ પ્રદુષણને દૂર કરવા અને સ્વચ્છતાના ભાગરૂપે દેશભરનાં તમામ ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો પર પ્લાસ્ટિના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ આદેશને અનુલક્ષીને અંબાજીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, વેપારીઓ કોઈ વાતે માનવા તૈયાર ન થતાં હાલ તંત્ર અને વેપારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news