પુણેમાં ભડકી ઉઠેલી હિંસા મામલે જિજ્ઞેશ મેવાણી મુશ્કેલીમાં, થઈ ફરિયાદ

 મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાની આગ મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફેલાઈ છે.

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 12:12 PM IST
પુણેમાં ભડકી ઉઠેલી હિંસા મામલે જિજ્ઞેશ મેવાણી મુશ્કેલીમાં, થઈ ફરિયાદ
ફાઈલ તસવીર

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાની આગ મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફેલાઈ છે. જેના પગલે મહારાષ્ટ્રમાં આજે પણ અનેક જગ્યાઓ પર પ્રદર્શન જારી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. પ્રદર્શનના પગલે રાજ્યમાં બસ અને રેલ સેવા પર અસર પડી છે. ભારિપ બહુજન મહાસંઘના નેતા અને બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હિંસા રોકવામાં સરકારની નિષ્ફળતા વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે આજે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યુ છે. આ સંદર્ભે ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સામે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

મંગળવારે પુણે જિલ્લામાં થયેલી હિંસાના આરોપ ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ પર લાગ્યાં. એએનઆઈના જણાવ્યાં મુજબ મંગળવારે સાંજે અક્ષય બિક્કડ અને આનંદ ડોન્ડ નામના બે યુવકોએ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને કેસ નોંધવાની માગણી કરી.  ફરિયાદ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે 31 ડિસેમ્બરના રોજ કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું, ત્યારબાદ હિંસા ફેલાઈ છે. એવો આરોપ પણ છે કે જિજ્ઞેશ મેવાણીએ પોતાના ભાષણ દરમિયાન એક ખાસ વર્ગને રસ્તાઓ પર ઉતરી આવવા માટે ઉશ્કેર્યા હતાં. 

ઉમર ખાલિદે પણ પોતાના ભાષણમાં જાતિ વિશેષ લોકોને ઉશ્કેરનારી વાતો કરી હતી. આ બંને લોકોના ભાષણ બાદ એક ખાસ વર્ગના લોકો વિરોધ કરવાના ઈરાદે રસ્તાઓ પર નિકળી પડ્યા હતાં જેણે બાદમાં હિંસક સ્વરૂપ લઈ લીધુ. એવો આરોપ છે કે વિધાયક જિજ્ઞેશ મેવાણીએ 14 એપ્રિલના રોજ નાગપુરમાં જઈને આરએસએસ મુક્ત ભારત અભિયાન શરૂ કરવાની પણ વાત કરી હતી. આ ભાષણ દરમિયાન પ્રકાશ આંબેડકર, પૂર્વ ન્યાયાધિશ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન વગેરે લોકો પણ હાજર રહ્યાં હતાં. 

મંગળવારે જાતિય હિંસાની આગ મુંબઈ સુધી પહોંચી હતી. દલિત પ્રદર્શનકારીઓએ મુંબઈમાં અનેક બસોને નુકસાન પહોંચાડ્યુ હતું અને રસ્તા તથા રેલ સેવાને પ્રભાવિત કરી હતી. ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ દરમિયાન સોમવારે પુણેમાં દલિત સમૂહો અને દક્ષિણપંથી હિન્દુ સંગઠનો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close