મોટો ખુલાસો : કઈ રીતે રાષ્ટ્ર કથા શિબિરમાં લાગી આગ ? જવાબદાર નાની બેદરકારી

પ્રાંસલા ખાતે રાષ્ટ્ર કથા શિબિર દરમિયાન ગઈ કાલે રાતના સમયે ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો 

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 01:40 PM IST
મોટો ખુલાસો : કઈ રીતે રાષ્ટ્ર કથા શિબિરમાં લાગી આગ ? જવાબદાર નાની બેદરકારી

રાજકોટ : પ્રાંસલા ખાતે રાષ્ટ્ર કથા શિબિર દરમિયાન ગઈ કાલે રાતના સમયે ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં મોરબીની સમજુબા વિદ્યાલયની વિદ્યાર્થિનીનું દાઝી જવાના કારણે મોત નિપજ્યું છે. આ શિબિરમાં ગયેલી અન્ય એક વિદ્યાર્થીની આજે તેના ઘર પરત આવી ગઈ છે. આ વિદ્યાર્થિનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ટેન્ટમાં લગાવવામાં આવેલ લેમ્પને કાઢીને ત્યાં મોબાઈલ ચાર્જ કરવા જતા સુરતની વિદ્યાર્થિનીઓ જે ટેન્ટમાં હતી તેમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વિકરાળ બની ગઈ હતી અને લોકો પોતાના જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યા હતા.

શું છે ઘટના?
રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 30 કિમી દૂર આવેલા પ્રાંસલામાં રૂંવાડા ઉભા કરી દે એવી ઘટના બની છે. અહીં ચાલી રહેલી  રાષ્ટ્રકથા શિબિરમાં મધરાતે 12 વાગ્યા પછી ભીષણ આગ ફાટી નીકળતા  ત્રણ વિદ્યાર્થીનીઓ બળીને ભડથું થઈ ગઈ છે. આ આગને કારણે 50થી 60 જેટલા ટેન્ટ્સ બળીને ખાક થઈ ગયા છે જયારે 15થી વધારે સ્ટુડન્ટ્સ ઘાયલ થયા છે. આ તમામ ઘાયલ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નોંધનીય છે કે આ આગ લાગી ત્યારે 10,000 જેટલી વિદ્યાર્થીનીઓ ભરઉંઘમાં હતી. આ મામલામાં સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂ.ની સહાયની જાહેરાત કરી છે

મધરાતે બની ઘટના
પ્રાથમિક માહિતી પ્રમાણે આગ લાગવાની આ ઘટના મધરાત પછી લગભગ 1:30 કલાકે બની હતી. આ આગ લાગવાનું કારણ હાલમાં તો શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની ઘટનાને પગલે ના કારણે અચાનક આગ લાગી હતી. જો કે ફાયર ફાઈટર, આર્મી અને નેવીના જવાનો પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પુરતા પ્રયાસ કર્યા હતા. પ્રાસલા ખાતે દર વર્ષે રાષ્ટ્રકથા શિબિર યોજાય છે. આ વર્ષે 20મી રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ દુર્ઘટના બની છે. 10 દિવસની શિબિરનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ગોઝારી દુર્ઘટના બની હતી.

સેનાને સલામ
આ દુર્ઘટનામાં સેનાએ બહુ પ્રસંશનીય કામગીરી નિભાવી હતી. આગ લાગતા જ સેનાએ ત્વરિત કાર્યવાહી કરીને 300 લોકોને બચાવ્યા હતા. બચાવ કામગીરી કરતા આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જેથી આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી અને તેમનો ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ પણ કર્યું હતું.