વુમન્સ ડે સ્પેશિયલ : ગોધરાના શાંતાબેનની સંઘર્ષ ગાથા સમાજ માટે પ્રેરણારૂપ

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવનાર અને સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત પણ કરાય છે પરંતુ ભારતીય સમાજમાં કેટલીય એવી મહિલાઓ છે જે પ્રસિદ્ધિથી દૂર હોય છે અને જેમનો સંઘર્ષ જોઈ ભારતીય સમાજમાં પ્રતીકરૂપે પુરુષ સમોવડી ગણાતી મહિલાઓ પ્રેરણા મેળવી શકે.

Updated: Mar 8, 2018, 03:48 PM IST
વુમન્સ ડે સ્પેશિયલ : ગોધરાના શાંતાબેનની સંઘર્ષ ગાથા સમાજ માટે પ્રેરણારૂપ

જયેંદ્ર ભોઇ/ગોધરા: 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવનાર અને સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત પણ કરાય છે પરંતુ ભારતીય સમાજમાં કેટલીય એવી મહિલાઓ છે જે પ્રસિદ્ધિથી દૂર હોય છે અને જેમનો સંઘર્ષ જોઈ ભારતીય સમાજમાં પ્રતીકરૂપે પુરુષ સમોવડી ગણાતી મહિલાઓ પ્રેરણા મેળવી શકે. આજે આપણે પંચમહાલની એવી જ એક સંઘર્ષ અને સફળતાના પર્યાય સમી એક મહિલાની વાત કરવાના છીએ. ગોધરાની શાંતાબેન નામની આ આધેડ મહિલા તેના કામથી સમગ્ર ગોધરા જ નહીં જિલ્લામાં મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે.

આમ તો ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ શક્તિ રૂપે પૂજાતી આવી છે અને કઈ કેટલીય વીરાંગનાઓ પોતાનો ભૂતકાળ શક્તિસ્વરૂપા તરીકે મૂકીને ગઈ છે. પરંતુ હાલના ભારતીય સમાજ જીવનમાં મહિલાઓ સ્થિતિ કફોડી બની છે. રોજબરોજ મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો ના હવે જાણે કે સામાન્ય થઈ ગયા છે. ભારતીય નારી સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં અત્યારની પરિસ્થિતિએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે સંઘર્ષ કરતી નજરે જોવા મળે છે.

મોજશોખ માટે નહીં પણ પરિવાર માટે બન્યા ડ્રાઇવર
હાલની પરિસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલા ઓ આગળ તો વધી રહી છે અને સમાજમાં મોભાનું સ્થાન મેળવતી પણ થઇ છે. ત્યારે આજરોજ સમગ્ર વિશ્વ માં ઉજવાઈ રહેલા મહિલા દિવસ નિમિતે વાત કરીએ પંચમહાલ જિલ્લાના ગોધરાની શાંતાબેન સ્કૂલ વેન ડ્રાઈવરની. પુરુષ પ્રધાન વ્યવસાયમાં ઝપલાવી વાહન ચાલન કરવું આજની મહિલાઓએ શીખી લીધું. એ આપણે બધા જોઈએ જ છીએ. એ કોઈ નવાઈની વાત હવે રહી નથી પરંતુ શાંતાબેન પોતાના પતિના વાહન ચાલક બનવાના જ વ્યવસાયમાં પતિની સાથે-સાથે વાહન ચાલાક બની ગઈ છે અને તે એ કોઈ મોજશોખ માટે નહીં મધ્યમવર્ગના પરિવારની જરૂરિયાત પૂરી કરવા સારું. શાંતાબેન છેલ્લા 12 વર્ષથી પોતાના પતિની સાથે સાથે ઘરનું ગુજરાન ચલાવવા માટે સ્કૂલવાન ચલાવે છે અને આજની આ કાળઝાળ મોંઘવારીમાં ઘરની તેમજ તેમની એક માત્ર દીકરીના ભણતરની તમામ જરૂરિયાતો પૂરી કરવા પોતાના પતિ સાથે ખભે ખભો મિલાવી કામ કરે છે.

12 વર્ષથી કરે છે ડ્રાઇવિંગ
છેલ્લા 12 ઉપરાંત વર્ષોથી પુરુષપ્રાધાન્ય ગણાતા એવા ડ્રાઇવિંગના વ્યવવસાય સાથે શાંતાબેન સંકળાયેલા છે. હાલ શાંતાબેન પોતાના પતિ અને દીકરી સાથે ગોધરા ખાતે રહે છે અને શાંતાબેન સ્કૂલ વાન ચલાવી પતિને આર્થિક સહાય પૂરી પાડે છે. શાંતાબેનના પતિ ખાનગી વાહન ચલાવી પેટિયું રડે છે છેલ્લા 12 વર્ષથી સ્કૂલના બાળકોને સ્કૂલવાન ચલાવી ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે મુકવાનો તેમના આર્થિક ઉપાર્જનના માધ્યમની સાથે સાથે નિત્યક્રમ પણ બની ગયો છે.

સંઘર્ષની જીવતી જાગતી મિશાલ ગણાતા શાંતાબેનના જણાવ્યા મુજબ પોતે જ્યારે પિતાના ઘરે હતા ત્યારે ઘરમાં પિતા અને ભાઈનો પણ ડ્રાઇવિંગનો જ વ્યવસાય હોય તેમને વાહન ચલાવતા જોઈ પોતાને પણ ડ્રાઇવિંગનો શોખ થયો અને પિતા અને ભાઈની મદદથી ડ્રાઇવિંગ શીખી લીધું અને વાહન ચલાવવાનું પાકું લાઇસેંસ પણ મેળવી લીધું. ત્યાબાદ તેમના લગ્ન ગોધરાના રમેશચંદ્ર ત્રિવેદી સાથે થયા, જેના થકી ત્રિવેદી દંપતીને ત્યાં ફૂલ જેવી દીકરીનો જન્મ થયો.

આર્થિક કટોકટીમાં પતિને થયા મદદગાર
દીકરીના ઉછેરમાં સમય પસાર થતા દીકરીને સ્કૂલમાં મુકવાનો સમય આવ્યો જ્યાં પહલેથી જ આર્થિક કટોકટી ભર્યું જીવતા શાંતાબેન અને રમેશચંદ્રના માટે મોટું ભારણ દીકરીના સારા ભણતરનું આવ્યું. પરંતુ હાર માન્યા વગર શાંતાબેને દીકરીને સારું ભણતર અપાવાનો મક્કમ નિર્ધાર કરી લીધો જેના બાદ તેમને પોતાના પતિ રમેશચંદ્રને વાત કરી કે પોતાને ડ્રાઇવિંગનો શોખ છે અને વાહન ચલાવતા આવડે છે તો શા માટે આપડે તેને આર્થિક ઉપાર્જનનું માધ્યમ ન બનાવીએ ?

પત્ની શાંતાબેનની વાતથી આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલા રાજેન્દ્રભાઇ થોડા મૂંજાયા કે જ્યાં પુરુષોનું એકચક્રી શાશન છે એવા ડ્રાઇવિંગના ક્ષેત્રમાં પત્ની શાંતાબેન કેવી રીતે ટકી રહેશે અને સમાજ શું કહેશે ? જો કે પત્નીની હિંમત જોતા રાજેન્દ્રભાઇએ તેમની આ વાતને સ્વીકારી અને ગોધરાની એક ખાનગી શાળાના બાળકોને સ્કૂલેથી ઘરે લાવવા લઇ માટેની સ્કૂલની જ વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી ચાલુ કરી. શાળાના વાન ડ્રાઈવરની નોકરીની કમાણીમાંથી પોતે દીકરીને ભણાવવા માટે પતિને આર્થિક મદદ કરતા થયા અને પોતાના પગ પર ઉભા થયા.

શાંતાબેન જેવા અડગ મહિલા સમાજ માટે સંઘર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ
શાંતાબેને આ ખાનગી શાળામાં 7 વર્ષ જેટલો સમય નોકરી કરી ત્યારબાદ શાંતાબેન પોતાની વાન ખરીદી અને શાળાના બાળકોને ઘરેથી સ્કૂલે મુકવાનું શરુ કર્યું. જેમાં પણ સારી આવક થતા શાંતાબેન પોતાની દીકરીને સારું ભણતર અને અને નોકરી આપી શક્યા આજે જ્યારે નાના નાના બાળકો ને સ્કૂલ વાન ચાલકો દ્વારા હેરાન પરેશાન કરવાના કિસ્સા બનતા હોય છે ત્યારે શાંતાબેનના કિસ્સામાં વાલીઓ હોંશે હોંશે તેમની વાનમાં પોતાના બાળકોને મોકલી નિશ્ચિન્ત થઈ જવા માંડ્યા.

આજે જ્યારે મહિલાઓ સામાન્ય ગૃહિણી બની જીવન ગુજારી દે છે ત્યારે શાંતાબેન જેવા અડગ મહિલા સમાજ માટે સંઘર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. જો કે જેમ એક સફળ પુરુષની પાછળની હંમેશા એક મહિલાનો હાથ હોય છે તેવી એક કહેવત છે જે શાંતાબેન અને રમેશચંદ્રના કિસ્સામાં ઉલ્ટી સાબિત થઇ છે. આ કિસ્સામાં સફળ મહિલાની પાછળ એક પુરુષનો હાથ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે શાંતાબેનના કિસ્સામાં સમાજના અને પરિવારના લોકોની ચિંતા કર્યા વગર શાંતાબેનને હૂંફ આપી અને ડ્રાઇવિંગ જેવા પુરુષપ્રાધાન્ય ગણાતા વ્યવસાયમાં આગળ વધવા અને ટકી રહેવામાં મદદ પણ કરી.

શાંતાબેન જેવા સંઘર્ષ કરી સફળતા પ્રાપ્ત કરનાર મહિલા પાસેથી પ્રેરણા મેળવી પોતાના છુપા ટેલેન્ટને બહાર લાવી મહિલાઓ પણ સફળતાના શિખરો સર કરી શકે છે. આજના મહિલા દિન નિમિત્તે મહિલાઓને શાતાબેને પણ એક સારો સંદેશો આપ્યો છે. એ મહિલાઓએ ગભરાયા વગર પોતાની છુપી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ અને પરિવારને આ અંગે માહિતગાર કરી પોતાને મનગમતા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close