'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું કાર્ય પૂર્ણતાને આરે, હવે માત્ર મુખારવિંદનું કામ બાકી

આગામી 2થી ત્રણ દિવસમાં મુખારવિંદ પણ લગાવી દેવાશે, ત્યાર બાદ પ્રતિમાનું અંતિમ ફિનિશિંગ કાર્ય હાથ ધરાશે, 31 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે 

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું કાર્ય પૂર્ણતાને આરે, હવે માત્ર મુખારવિંદનું કામ બાકી

રાજપીપળાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું કામ અંતિમ પડાવ પર પહોંચ્યું છે.'પ્રતિમાના ધડને સફળતાપૂર્વક લગાવ્યા બાદ હવે ગળા અને મુખારવિંદનો હિસ્સો લગાવાઈ રહ્યો છે. તે પૈકી ગળા અને હડપચી(દાઢી) ના હિસ્સાને બેઝ કેમ્પથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈટ પર ઓપન ટ્રેલરમાં લઈ જવાયો છે, જે આગામી 15 તારીખ સુધીમાં પ્રતિમા પર લગાવી દેવાશે. 

તેમના મુખારવિંદને પણ આખરી ઓપ આપવાનું કામ પ્રગતિમાં છે અને સંભવતઃ આ હિસ્સો પણ આગામી 2 દિવસમાં લગાવી દેવાશે. સરદાર પટેલનું મુખ 70 ફૂટ લાબું રહશે. તેને 4 ભાગમાં બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રતિમાની અંતિમ ફીનિશિંગની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી 31 ઓક્ટોમ્બરનાં રોજ વડાપ્રધાન પ્રતિમાનું લોકાર્પણ કરશે. 

આ અંગે વધુ માહિતી આપતા પ્રોજેક્ટ ડાયરેકટર મુકેશ રાવલ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 2989 કરોડનો છે અને હાલ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે તથા બાકીનું 10 ટકાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આટલી મોટી પ્રતિમાને ઊભી રાખવા માટે સૌથી મોટો પડકાર 180 કિમી પ્રતિકલાકના પવનની સામે પણ ટકી રહે તે હતો. 

બહારથી દેખાતા આ સ્ટેચ્યુમાં અંદર કોન્ક્રીટ અને સ્ટીલનું મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જેને બહારના ભાગે 8mmની કાંસાની પેનલો દ્વારા ઢાંકવામાં આવ્યું છે. લગભગ 6500 કાંસાની નાની-મોટી પેનલોને જોડીને સરદાર વલ્લભભાઈનો આકાર આપવામાં આવ્યો છે. આ પડકારજનક કામ પાર પાડવા માટે લગભગ 2000 જેટલા ઈજનેર અને 4000થી વધુ કામદારો દિવસ-રાત કામ કરી રહ્યા છે. 

મુકેશ રાવલે વધુમાં જણાવ્યું કે, સરદાર સાહેબના બે પગ નીચે કોન્ક્રીટ સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. સ્ટેટ્યૂમાં અંદરના ભાગે 135 મીટરના અંતરે દર્શકો માટે વીવિંગ ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાં પહોંચવા માટે 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલતી લિફ્ટ મુકવામાં આવી છે. આ લીફ્ટમાં એકસાથે 26 માણસો જઈ શકશે અને આગળના ભાગે નર્મદા બંધ અને પાછળના ભાગે ગરુડેશ્વરની ગિરી કંદરાઓ જોઈ શકશે. આ વીવિંગ ગેલેરી સરદાર વલ્લભભાઈના છાતીના ભાગમાં પહરેલી બંડીની ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી છે, જે ઉપરથી તો ખુલ્લો ભાગ હશે, પરંતુ બહારથી તે દેખાશે નહીં. 

આ સ્ટેચ્યુની આજુબાજુમાં અન્ય વિકાસકાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્ટેચ્યુથી લગભગ 5 કિલોમીટર દૂર 55 રૂમ ધરાવતી 'શ્રેષ્ઠ ભારત ભવન' નામની 3 સ્ટાર હોટેલ બનાવાશે. અહીં વાહન પાર્ક કરાયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નિગમ દ્વારા ખાસ વાહનની વ્યવસ્થા કરાશે.

આ વાહન સીધું પ્રવાસીને સરદાર પટેલ મેમોરિયલ હોલ પાસે લઇ જશે અને ત્યાં બનાવાયેલા એક પુલ પરથી સ્ટેટ્યૂ સુધી પહોંચી શકાશે. આ પુલને શેડથી ઢાંકવામાં આવ્યો છે અને તેમાં વોકલેરર્સ રાખવામાં આવ્યા છે, જેના ઉપર એસ્કેલેટરની જેમ પ્રવાસીએ માત્ર ઊભા રહી જવાનું છે. ત્યાંથી એક્ઝિબિશન હોલમાં જવા માટે એક્સસેલરેટર મુકવામાં આવ્યા છે, જેમાં સરદાર સાહેબની જીવન ઝાંખી રજૂ કરાઈ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news