અમદાવાદ : સાબરમતી આસારામ આશ્રમમાં સાધકે કાપી નાખ્યું પોતાનું ગુપ્તાંગ

સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 04:01 PM IST
અમદાવાદ : સાબરમતી આસારામ આશ્રમમાં સાધકે કાપી નાખ્યું પોતાનું ગુપ્તાંગ

અમદાવાદ : શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ આસારામ આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી સાધકની જવાબદારી નિભાવી રહેલા  40 વર્ષીય સુદામા રાઉત લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી થઈ છે. આ સાધકનું ગપ્તાંગ પણ કાપી નખાયેલી હાલતમાં હતું તેમજ તેના ગળાના અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા મારવામાં આવેલા હતા. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો.

ઘટનાની વિગતો
ચાંદખેડા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધક દ્વારા તપાસ કરતાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તારણ આત્મહત્યાનું
ચાંદખેડા પોલીસે આ મામલામાં વિગતવાર તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સાધકે જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.