અમૃતસર દુર્ઘટના: 60થી વધુને ભરખી જનારી 'કાળમુખી' ટ્રેનના ડ્રાઈવરે જાણો શું કહ્યું?, નોંધાઈ FIR

પંજાબ અને રેલવે પોલીસે અમૃતસર રેલ દુર્ઘટનામાં 61 લોકોને કચડી નાખનારી યમદૂત ટ્રેનના ચાલકને કસ્ટડીમાં લીધો અને તેની આજે પૂછપરછ કરી

અમૃતસર દુર્ઘટના: 60થી વધુને ભરખી જનારી 'કાળમુખી' ટ્રેનના ડ્રાઈવરે જાણો શું કહ્યું?, નોંધાઈ FIR

અમૃતસર: પંજાબ અને રેલવે પોલીસે અમૃતસર રેલ દુર્ઘટનામાં 61 લોકોને કચડી નાખનારી યમદૂત ટ્રેનના ચાલકને કસ્ટડીમાં લીધો અને તેની આજે પૂછપરછ કરી. પંજાબ પોલીસ અધિકારીઓનું  કહેવું છે કે ડીએમયુ (ડીઝલ મલ્ટીપલ યુનિટ)ના ડ્રાઈવરને લુધિયાણા રેલવે સ્ટેશનથી અટકાયતમાં લેવાયો અને શુક્રવારે રાતે તેની આ ઘટના સંદર્ભે પૂછપરછ કરવામાં આવી. 

સૂત્રોએ જણાવ્યું કે ડ્રાઈવરના કહેવા મુજબ તેને ગ્રીન સિગ્નલ અપાયું હતુ અને રસ્તો ચોખ્ખો હતો. પરંતુ તેને કોઈ અંદાજો નહતો કે રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં લોકો ઊભા છે. આ દશેરાના કાર્યક્રમના આયોજકો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આયોજકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. રેલવે અધિકારી આ સંદર્ભમાં જાણકારીઓ ભેગી કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ શુક્રવારે રાતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ થઈ રહી છે અને આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. 

રેલવેનું નિવેદન
આ બાજુ રેલવેએ કહ્યું કે ટ્રેનના ડ્રાઈવરે અકસ્માતને રોકવા માટે કોશિશ કરી હતી આમ છતાં તે ટાળી શકાયો નહીં. જો કે અકસ્માતના એક દિવસ બાદ પણ લોકો જવાબદારી એકબીજા પર નાખી રહ્યાં છે. કાર્યક્રમના ચીફ ગેસ્ટ રહેલા નવજોત કૌર સિદ્ધુનું કહેવું છે કે રેલવેએ ટ્રેનો માટે નિર્દેશ જારી કરવા જોઈતા હતાં. જ્યારે રેલવેનું કહેવું છે કે તેમને કાર્યક્રમની સૂચના અપાઈ નહતી. 

રેલવે બોર્ડના ચેરમેને આપ્યું કારણ, કેમ ન રોકાઈ ટ્રેન
રેલવે બોર્ડના ચેરમેન અશ્વીન લોહાનીએ જણાવ્યું કે કયા કારણથી અકસ્માત ટાળી શકાયો નહીં. તેમણે એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપતાં કહ્યું કે ટ્રેક પર લોકોને જોઈને ડ્રાઈવરે અનહોની ટાળવા માટે કોશિશ કરી. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ 90 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 65 કિમી કરી હતી. જો કે આટલી ઝડપથી આવી રહેલી ટ્રેનને સંપૂર્ણ રીતે રોકવામાં ઓછામાં ઓછુ 625 મીટરનું અંતર જોઈએ. આથી ટ્રેન રોકાઈ નહીં અને 60થી વધુ લોકોના મોત થયા. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ટ્રેન જો ઈમરજન્સી બ્રેક લગાવત તો ટ્રેન પલટી શકત અને અને જાનહાની વધુ થાત. 

લોહાનીએ કહ્યું કે ડ્રાઈવરે હોર્ન વગાડ્યું હશે. કહેવાય છે કે ખુબ શોરના કારણે હોર્ન સંભળાવ્યું નહીં હોય. તેમણે  એમ પણ જણાવ્યું કે લેવલ ક્રોસિંગ ત્યાંથી ખુબ દૂર હતું. આવામાં ત્યાં બેઠેલા અધિકારીઓ પણ ઈચ્છત છતાં કઈ ન કરી શકત. જો કે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ દાવો  કર્યો છે કે ટ્રેને હોર્ન વગાડ્યુ જ નહતું. 

માત્ર 10-15 સેકન્ડમાં થઈ ગયો દર્દનાક અકસ્માત
શુક્રવારે સાંજે લગભગ 700 લોકો ગ્રાઉન્ડ પર રાવણ દહનના કાર્યક્રમમાં હાજર હતાં. લગભગ 10-15 સેકન્ડમાં ટ્રેનના પસાર થયા બાદ ચીસાચીસ મચી ગઈ. મોટા ભાગના લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નહીં કારણ કે ત્યારે ફટાકડાનો ખુબ અવાજ હતો. વીડિયો ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન ટ્રેક પર આવી તો લોકોએ ભાગવાની કોશિશ કરી પરંતુ અનેક લોકો તેની ચપેટમાં આવી ગયાં. 

પંજાબમાં એક દિવસનો રાજકીય શોક
પંજાબ સરકારે આ ભયાનક રેલ દુર્ઘટનાના પગલે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાનો ઈઝરાયેલ પ્રવાસ રદ કર્યો. સરકારે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે 20 ઓક્ટોબરે શોક રહેશે. તમામ ઓફિસો અને શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે મને ખબર નથી કે રેલવે સ્ટેશનની બાજુમાં રાવણ દહન કેમ કરાયું?

FIR નોંધાઈ
આ દુર્ઘટના બાદ જીઆરપીના સ્ટેશન અમૃતસરમાં એફઆઈઆર નોંધાઈ છે. જો કે આ એફઆઈઆરમાં કોઈને પણ આરોપી બનાવવામાં આવ્યાં નથી. એફઆઈઆરમાં આઈપીએસની કલમ 304, 304એ, 337 અને 338 હેઠળ કેસ દાખલ કરાયો છે. એફઆઈઆરનો નંબર 169 છે. આ એફઆઈઆર ઘટનાસ્થળની નજીક બનેલી પોલીસ ચોકી ગોલ્ડન એવન્યુના એએસઆઈ સતનામ સિંહના નિવેદનો પર નોંધાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news