ક્યાં છે દાઉદ? ખાસ મિત્રએ સીબીઆઇ પાસે વેરી દીધા વટાણા

ફારુક ટકલાએ અનેક મોટા ખુલાસા કર્યા છે

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 13, 2018, 04:29 PM IST
ક્યાં છે દાઉદ? ખાસ મિત્રએ સીબીઆઇ પાસે વેરી દીધા વટાણા

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક સમયના મિત્ર ફારુક ટકલાએ સીબીઆઈ સામે પૂછપરછ દરમિયાન અનેક રહસ્યોનો ખુલાસો કર્યો છે. ફારુક ટકલાએ માહિતી આપી છે કે દાઉદ હાલમાં પણ પાકિસ્તાનમાં જ રહે છે. દાઉદ પાકિસ્તાનમાં નથી એવા જુઠાણાનો પર્દાફાશ કરતા ફારુક ટકલાએ જણાવ્યું છે કે પાકિસ્તાની રેન્જર્સ દાઉદ ઇબ્રાહિમના ઘરની સુરક્ષા કરે છે. 

1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ફારુક ટકલાએ માહિતી આપી છે કે જ્યારે પણ પાકિસ્તાન પર દાઉદ મામલે આંતરરાષ્ટ્રીય દબાણ આવે છે ત્યારે દાઉદ ઇબ્રાહિમને સિંધના અંડા આઇલેન્ડના સેફ હાઉસ મોકલી દેવામાં આવે છે. આ સેફ હાઉસમાં કોસ્ટગાર્ડ ડોન દાઉદની સુરક્ષામાં તહેનાત રહે છે. હાલત સામાન્ય થઈ જાય ત્યારે દાઉદને ફરીથી પાકિસ્તાન ખાતે આવેલા પોતાના ઘરે મોકલી દેવામાં આવે છે. પાકિસ્તાની સેના કે લોકોએ જ્યારે દાઉદ સાથે વાતચીત કરવી હોય ત્યારે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે.

ફારુક ટકલા હાલમાં 1993માં મુંબઈ ખાતે થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મામલામાં સીબીઆઇના કબજામાં છે. ફારુકે જણાવ્યું છે કે દાઉદ આરામથી પાકિસ્તાનમાં બેસીને પોતાનું કામકાજ કરી રહ્યો છે. પાકિસ્તાનમાં સરકારના દાઉદ પર ચાર હાથ છે. ભારત સરકાર અનેકવાર દાઉદ પાકિસ્તાનમાં છુપાયેલો છે એવા પુરાવા પાકિસ્તાનને આપી ચૂકી છે પણ પાકિસ્તાન આ મામલે વારંવાર ખોટું બોલે છે.