મોદી સરકાર વિરુદ્ધ સોનિયાની ડિનર ડિપ્લોમસી, NDAને પછાડવા 20 પક્ષો ભેગા થયા!

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર મંગળવારે વિપક્ષી દળો માટે ડિનરનું આયોજન કરાયું હતું. જેમાં સીપીએમ, સીપીઆઈ, તૃણમૂલ કોંગ્રેસ, બીએસપી, સપા, જેડીએસ, આરજેડી, સહિત 20 વિપક્ષી દળોના નેતાઓએ ભાગ લીધો. બેઠકમાં હાલના રાજકીય હાલાત સહિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થઈ.

Viral Raval Viral Raval | Updated: Mar 14, 2018, 09:04 AM IST
મોદી સરકાર વિરુદ્ધ સોનિયાની ડિનર ડિપ્લોમસી, NDAને પછાડવા 20 પક્ષો ભેગા થયા!
તસવીર- ANI

નવી દિલ્હી: સંસદમાં છેલ્લા સાત દિવસથી સતત જારી ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મંગળવારે સરકાર પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે તે ખેડૂતો સહિત પ્રમુખ મુદ્દાઓ પર સંસદમાં સરકારની જવાબદારી નક્કી કરશે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર મંગળવારે વિપક્ષી દળો માટે ડિનરનું આયોજન કરાયું હતું. જેમાં સીપીએમ, સીપીઆઈ, તૃણમૂલ કોંગ્રેસ, બીએસપી, સપા, જેડીએસ, આરજેડી, સહિત 20 વિપક્ષી દળોના નેતાઓએ ભાગ લીધો. બેઠકમાં હાલના રાજકીય હાલાત સહિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થઈ.

ડિનર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે યુપીએ અધ્યક્ષ સોનિયાજી દ્વારા ખુબ સરસ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ ડિનર દ્વારા અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓને આપસમાં મુલાકત કરવાની તક મળી. આ નેતાઓ વચ્ચે નીકટતા વધી છે. આ દરમિયાન અનેક રાજકીય વાતો થઈ પરંતુ તેનાથી મહત્વપૂર્ણ અહીં સકારાત્મક ઉર્જા, ઉષ્મા અને સાચી મિત્રતા અને લગાવ જોવા મળ્યો.

ડિનર પાર્ટીમાંથી પાછા ફર્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 20 વિપક્ષી પાર્ટીઓએ આ ડિનરમાં ભાગ લીધો અને અમે એક છીએ. શિવસેના અને ટીડીપીની નારાજગીથી એનડીએ વેરવિખેર થઈ ગયુ છે. આ બધુ ભાજપના તાનાશાહી વલણના કારણે થયું છે.

ડિનરપાર્ટીમાં એનસીપીના શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, સપાના રામગોપાલ યાદવ, બીએસપીના સતીષચંદ્ર મિશ્રા, આરજેડીથી મીસાભારતી અને તેજસ્વી યાદવ, સીપીએમમાંથી મોહમ્મદ સલીમ, સીપીઆઈથી ડી રાજા, ડીએમકેના કનિમોઝી અને પૂર્વ જેડીયુ સાંસદ શરદ યાદવે ભાગ લીધો. કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, એ કે એન્ટોની વગેરે નેતાઓએ ભાગ લીધો હતો.

ડિનર બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે આ પ્રીતિ અને મૈત્રીવાળુ ડિનર હતું. કોંગ્રેસનું માનવું છે કે જ્યાં સરકાર દીવાલ ઊભી કરશે ત્યાં અમે મિત્રતા, સૌહાર્દ અને મળીને સાથે ચાલવાનો રસ્તો તૈયાર કરીશું. તેમણે કહ્યું કે આ ડિનર રાજકારણ માટે નહતું. પરંતુ સ્વાભાવિક છે કે જ્યાં સરકાર સંસદ ચલાવવા માટે ઈચ્છુક નથી ત્યાં રાજકીય નેતાઓ, જે પોતાના ક્ષેત્રોના લોકોની સમસ્યાઓને લઈને જાગરૂક અને ચિંતિત છે, જ્યાં મળશે ત્યાં પ્રદેશ અને દેશના રાજકારણ પર ચર્ચા ચોક્કસ થશે.

સુરજેવાલાએ કહ્યું કે આ નેતાઓ વચ્ચે ગરીબો, યુવાઓ અને ખેડૂતોને લઈને વાતચીત થઈ. તેમણે કહ્યું કે દેશની ધુરી સંસદમાં સરકારની જવાબદારી નિશ્ચિત હોવી જોઈએ, આ અંગે અનૌપચારિક વાતચીત થવી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આ ડિનરનો એક જ હેતુ છે.. સોહાર્દપૂર્ણ અને મિત્રતાવાળા માહોલમાં વિપક્ષી નેતાઓ બેસીને વ્યક્તિગત અને રાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરે.

એક પ્રશ્નના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે આજે જ્યારે દેશ સામે મોટુ સંકટ છે. સરકારની નાક નીચેથી કરોડો રૂપિયા લઈને ભાગેડુઓ ભાગી ગયા. હજારો ખેડૂતો સેકડો કિલોમીટર ચાલીને સરકાર પાસે પોતાની વ્યથા રજુ કરવા પહોંચ્યા પરંતુ સરકાર તેમની વાતો સાંભળી રહી નથી. આજે જ્યારે બેરોજગારી માથે ચડીને પોકારે છે. ભ્રષ્ટાચારની બોલબાલા છે. આવામાં વિપક્ષી નેતાઓ, ભલે અમારા તેમની સાથે મતભેદ હોય, પરંતુ રાષ્ટ્રહિતમાં આ મુદ્દાઓનું સમાધાન કાઢવા માટે ચિંતિત છે.

સુરજેવાલાએ કહ્યું કે સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની છે. જો સંસદમાં કોઈ ગતિરોધ ઉત્પન્ન કરી રહ્યાં છે તો તે સત્તા પક્ષના લોકો છે, વિપક્ષના નેતા નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ ઈચ્છે છે કે સરકારની સંસદમાં જવાબદારી નક્કી થાય. સરકાર ચર્ચાથી દૂર ભાગી રહી છે. પરંતુ અમે એ નિશ્ચિત કરીશું કે સંસદ પણ ચાલે અને સરકારની જવાબદારી પણ નક્કી થાય.

ડિનરમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી, બીએસપીના અધ્યક્ષ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવના ન આવવા પર સુરજેવાલાએ કહ્યું કે આ પાર્ટીઓના સંસદના નેતાઓ ડિનરમાં આવ્યાં છે. આ મિત્રતાપૂર્ણ રાત્રિભોજને રાજકીય સ્તરે આનાથી વધુ  ન જોવું જોઈએ. સોનિયા ગાંધીના આ ડિનરને લોકસભા ચૂંટણીમાં એનડીએ વિરુદ્ધ એક મજબુત મોરચો ઊભો કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ ડિનરમાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, એઆઈયુડીએફ, જેએમએમના હેમંત સોરેન, આરએલડીના અજિત સિંહ, આઈયુએમએલના કુટ્ટી, જેવીએમના બાબુલાલ મરાંડી, આરએસએપીના રામચંદ્રન, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના શરદ યાદવ, હિન્દુસ્તાન આવામ મોર્ચાના જીતનરામ માંઝી, જેડીએસના ડો. કુપેન્દ્ર રેડ્ડી, તથા કેરળ કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.