અમેરિકાએ ફરી પાકિસ્તાનમાં ઘૂસીને 3 આતંકીઓને ઠાર માર્યા, ડ્રોનથી કર્યો હુમલો

અમેરિકા દ્વારા આ વર્ષે આ ત્રીજો હુમલો કરાયો છે અને પાક સરહદમાં ચાલતા આતંકી કેમ્પનો સફાયો કરવા કવાયત હાથ ધરી છે. 

Updated: Feb 9, 2018, 03:10 PM IST
અમેરિકાએ ફરી પાકિસ્તાનમાં ઘૂસીને 3 આતંકીઓને ઠાર માર્યા, ડ્રોનથી કર્યો હુમલો

ઇસ્લામાબાદ : અમેરિકાએ શુ્કરવારે ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાનમાં અમેરિકાએ ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની મીડિયાએ પણ આ અંગે જાણકારી પ્રસિધ્ધ કરી છે. 

પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે, અફઘાનિસ્તાન અને ઉત્તરી વજીરીસ્તાનમાં અમેરિકી ડ્રોન હુમલામાં તહેરીક એ તાલિબાનના ડેપ્યૂટી કમાન્ડર સજના સહિત હક્કાની નેટવર્કના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. આ વર્ષે પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં અમેરિકાએ ત્રીજી વખત આવો હુમલો કર્યો છે. આ પહેલા ગત 17 અને 24 જાન્યુઆરીએ પણ આ રીતે જ હુમલો કરાયો હતો. 

પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાનના કબાયલી વિસ્તારમાં ગત 24મી જાન્યુઆરીએ અમેરિકી ડ્રોન હુમલામાં હક્કાની નેટવર્કના એક કમાન્ડર અને એના બે સહયોગી માર્યા ગયા હતા. ચાલક વગરના વિમાને પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદી વિસ્તારમાં ઓરકજઇ એજન્સીમાં સ્પીન થાલ દાપા મેમોજઇ વિસ્તારમાં એક મકાનમાં મિસાઇલથી હુમલો કર્યો હતો. 

આ હુમલો હક્કાની નેટવર્ના અડ્ડાઓ પર કરવામાં આવ્યો હતો. જેમાં હક્કાની નેટવર્કના કમાન્ડર એહસાન ઉર્ફે ખબારી અને એના બે સહયોગીના મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે. હવાઇ હુમલો કર્યા પહેલા ઓરકજઇ અને એની આસપાસના વિસ્તાર સહિત ખુર્રમ અને હાંગુ જિલ્લાના કબાયલી વિસ્તારમાં વાયુસેનાએ ઘણી નીચે ઉડાન કરી હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ 17 જાન્યુઆરીના હુમલામાં ખુર્રમ એજન્સીના બાદશાહ કોટ વિસ્તારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાનું પણ સામે આવ્યું છે.