MP : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી લેશે CMના નામનો અંતિમ નિર્ણય

ભોપાલમાં આવેલા કોંગ્રેસના વડામથક ખાતે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પક્ષના નેતા તરીકે કોઈ અંતિમ ઉમેદવાર અંગે નિર્ણય લઈ શકાયો ન હતો. 

MP : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી લેશે CMના નામનો અંતિમ નિર્ણય

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેમાં CMના કોઈ નામ પર સર્વસંમતિ સાધવામાં આવી નથી. હવે મુખ્યમંત્રીના નામની પસંદગી રાહુલ ગાંધી કરશે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો છે અને તેણે રાજ્યમાં સૌથી વધુ 114 બેઠકો જીતી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 116 બેઠકો જોઈએ, જેમાં કોંગ્રેસને બીએસપીએ સમર્થન આપતાં તેની 6 બેઠકોનો ટેકો મળ્યો છે. આ રીતે રાજ્યમાં કોંગ્રેસનો સરકાર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો. 
 
રાહુલ ગાંધી કરશે નિર્ણય

આ અંગે કોંગ્રેસના નેતા શોભા ઓઝાએ માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ મધ્યપ્રદેશમાં ચૂંટાયેલા ધારાસભ્યોના નેતાનું નામ અને મુખ્યમંત્રીનું નામ પસંદ કરશે. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોની બેઠકમાં આ સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે કે નેતાની પસંદગી રાહુલ ગાંધી કરશે. તેમણે જણાવ્યું કે, આરિફ અકીલે આ અંગે પ્રસ્તાવ મુક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ એકમતે સમર્થન આપ્યું હતું. 

રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પર્યવેક્ષક એ.કે.એન્ટની સાથે ચર્ચા કર્યા બાદ સીએમ પદ માટેનું નામ નક્કી કરશે. 

છત્તીસગઢમાં પસંદગી માટે શક્તી એપનો ઉપયોગ
છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવા માટે રાહુલ ગાંધીએ 'શક્તિ એપ'નો ઉપયોગ કર્યો છે. છત્તીસગઢમાં રાહુલ ગાંધી મુખ્યમંત્રી પદના દાવેદારોમાંથી કાર્યકર્તાઓની પસંદગીનો સીએમ બનાવવા માટે 'શક્તિ એપ' દ્વારા લોકોનો અભિપ્રાય માગી રહ્યા છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી પસંદ કરવા માટે કાર્યકર્તાઓનો અભિપ્રાય માગવામાં આવ્યો હોય. 

રાહુલ ગાંધીએ શક્તિ એપ દ્વારા કાર્યકર્તાઓને પુછ્યું છે કે, તેઓ કોનો છત્તીસગઢનો મુખ્યમંત્રી બનાવવા માગે છે. શક્તિએપ પર કોંગ્રેસના અધ્યક્ષ તરફથી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવાની સાથે જ તેમની પસંદગીના સીએમનું નામ પુછવામાં આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સીએમના નામની જાહેરાત બુધવારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news