પુણે હિંસા બાદ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ પ્રદર્શન, બસો અને અન્ય વાહનોમાં તોડફોડ

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાની આગ મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફેલાઈ છે. 

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 01:07 PM IST
પુણે હિંસા બાદ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ પ્રદર્શન, બસો અને અન્ય વાહનોમાં તોડફોડ
તસવીર-એએનઆઈ

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાના કારણે મહારાષ્ટ્રમાં ફરી એકવાર જાતિગત તણાવ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા દલિતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા રોકવામાં નિષ્ફળ જવાને મુદ્દો બનાવીને આજે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શન જારી છે. સુરક્ષા કારણોસર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ છે. પ્રદર્શનના પગલે રાજ્યમાં બસ અને રેલ સેવા ઉપર ઊંડી અસર પડી છે. 

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દલિત પ્રદર્શનકારીઓએ બુધવારે થાણે રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકવાની કોશિશ કરી પરંતુ તેમને જલદી ખદેડવામાં આવ્યાં હતાં તથા મધ્ય રેલવે લાઈન પર અવરજવર સામાન્ય છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ પ્રદર્શનકારીઓએ ગોરેગાંવમાં પશ્ચિમ લાઈન પર રેલવ્યવહારને પણ ખોરવવાની કોશિશ કરી હતી. નાલાસોપારા સ્ટેશન પર પણ  પ્રદર્શનકારીઓ રેલ ટ્રેક પર બેસી ગયા, જેનાથી આ લાઈનની રેલસેવા પ્રભાવિત થઈ. 

મુંબઈમાં પણ પ્રદર્શનકારીઓએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો. જેના કારણે રોડ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી બાજુ દક્ષિણ મુંબઈના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે 11મા ધોરણની પરીક્ષાઓ  રદ કરવામાં આવી છે. પ્રદર્શનના પગલે પ્રશાસને આજે નાસિક અને ઔરંગાબાદમાં શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યાં છે. જો કે મુંબઈમાં આજે મોટાભાગની શાળા અને કોલેજો ખુલ્લા છે. 

પ્રદર્શનના પગલે પ્રશાસને આજે નાસિક અને ઔરંગાબાદમાં શાળાઓ બંધ રાખવાનો ફેસલો લીધો છે. જો કે મુંબઈમાં આજે શાળાઓ અને કોલેજો ખુલ્લા રહેશે. મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ નિર્ધારિત સમય પર થશે. આ બાજુ મુંબઈમાં ડબ્બાવાળાઓ પાસેથી ભોજન મેળવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે તેમણે ડબ્બાસેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઔરંગાબાદમાં આજે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે. 

આજે સવારે પ્રદર્શનકારીઓએ પુણે રેલવે સ્ટેશન ઉપર પણ પ્રદર્શન કર્યું અને ટ્રેન રોકી. જેનાથી ટ્રેન સેવા પ્રભાવિત થઈ. આ અગાઉ મંગળવારે હિંસાના આરોપ ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ પર લાગ્યાં. એએનઆઈના જણાવ્યાં મુજબ મંગળવારે સાંજે અક્ષય બિક્કડ અને આનંદ ડોન્ડ નામના બે યુવકોએ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને કેસ નોંધવાની માગણી કરી. 

ફરિયાદ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે 31 ડિસેમ્બરના રોજ કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું, ત્યારબાદ હિંસા ફેલાઈ છે. એવો આરોપ પણ છે કે જિજ્ઞેશ મેવાણીએ પોતાના ભાષણ દરમિયાન એક ખાસ વર્ગને રસ્તાઓ પર ઉતરી આવવા માટે ઉશ્કેર્યા હતાં. ઉમર ખાલિદે પણ પોતાના ભાષણમાં જાતિ વિશેષ લોકોને ઉશ્કેરનારી વાતો કરી હતી. આ બંને લોકોના ભાષણ બાદ એક ખાસ વર્ગના લોકો વિરોધ કરવાના ઈરાદે રસ્તાઓ પર નિકળી પડ્યા હતાં જેણે બાદમાં હિંસક સ્વરૂપ લઈ લીધુ. એવો આરોપ છે કે વિધાયક જિજ્ઞેશ મેવાણીએ 14 એપ્રિલના રોજ નાગપુરમાં જઈને આરએસએસ મુક્ત ભારત અભિયાન શરૂ કરવાની પણ વાત કરી હતી. આ ભાષણ દરમિયાન પ્રકાશ આંબેડકર, પૂર્વ ન્યાયાધિશ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન વગેરે લોકો પણ હાજર રહ્યાં હતાં. 

મંગળવારે જાતિય હિંસાની આગ મુંબઈ સુધી પહોંચી હતી. દલિત પ્રદર્શનકારીઓએ મુંબઈમાં અનેક બસોને નુકસાન પહોંચાડ્યુ હતું અને રસ્તા તથા રેલ સેવાને પ્રભાવિત કરી હતી. ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ દરમિયાન સોમવારે પુણેમાં દલિત સમૂહો અને દક્ષિણપંથી હિન્દુ સંગઠનો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

પુણેમાં પીમ્પ્રી પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં હિન્દુ એક્તા અઘાડીના પ્રમુખ મિલિન્દ એકબોતે તથા શિવરાજ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ સંભાજી ભિડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બંને સંગઠનોએ યુદ્ધમાં બ્રિટનની જીતનો જશ્ન મનાવવાનો વિરોધ કર્યો હતો. પોલીસ જણાવ્યું કે મુંબઈમાં પ્રદર્શનકારીઓએ 160થી વધુ બસોને નુકસાન પહોંચાડ્યુ હતું. 100થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ હિંસા મામલે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા ન્યાયિક તપાસના આદેશ આપતા શાંતિની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હિંસા પાછળ કોઈ કાવતરું હતું કે નહીં તેની જાણકારી મેળવવાની જરૂર છે. ફડણવીસે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા યુવકના પરિજનને 10 લાખનું વળતર આપવામાં આવશે અને તેના મોતની તપાસ સીઆઈડી કરશે. 

બસપા પ્રમખ માયાવતીએ કહ્યું કે આ જે ઘટના ઘટી છે તે રોકી શકાય તેમ હતી. સરકારે ત્યાં તરત સુરક્ષાના યોગ્ય પ્રબંધ કરવા જોઈતા હતાં. ત્યાં ભાજપની સરકાર છે અને તેમણે  ત્યાં હિંસા કરાવી. લાગે છે કે તેની પાછળ ભાજપ-આરએસએસ અને જાતિવાદી તાકાતોનો હાથ છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close