માલદીવ મામલે ચીનની ભારતને ચેતવણી, સૈન્ય દખલગીરી કરશે તો જોવા જેવી થશે

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને ચીને નાકનું ટેરવું ચડાવ્યું છે અને ભારત તરફ ધમકીનો ઇશારો કર્યો છે. જો સેના અહીં આવશે તો જોવા જેવી થશે એવી ચીમકી ઉચ્ચારી છે. 

Haresh Suthar Haresh Suthar | Updated: Feb 14, 2018, 11:44 AM IST
માલદીવ મામલે ચીનની ભારતને ચેતવણી, સૈન્ય દખલગીરી કરશે તો જોવા જેવી થશે

નવી દિલ્હી : માલદીવમાં સર્જાયેલ રાજકીય સંકટ વચ્ચે ચીને ધમકીભર્યા અંદાજમાં ભારતને કહ્યું છે કે જો આ મામલે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો એ ચૂપ નહીં બેસે. સરકારી પ્રેસ ગ્લોબલ ટાઇમ્સના તંત્રીલેખમાં આ વાત કહેવામાં આવી છે. તંત્રી લેખમાં ઉલ્લેખ કરાયો છે કે, માલદીવ આ સમયે સંકટમાં છે એવામાં ભારતે સંયમ રાખવો જોઇએ અને શાંતિથી કામ લેવું જોઇએ. જો ભારત સૈન્ય દખલગીરી કરશે તો ચીન પણ વળતી કાર્યવાહી કરવામાં બાકી નહીં રાખે. 

માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપને સમર્થન કરનારાઓને નિશાને લેતાં કહ્યું છે કે, માલેમાં અનધિકૃત સૈન્ય હસ્તક્ષેપ રોકવો જોઇએ. આ અંગેના તંત્રીલેખમાં આંતર રાષ્ટ્રીય સંબંધ મામલે પણ એને યોગ્ય નથી બતાવાયું. તંત્રીલેખમાં સ્પષ્ટ કહ્યું છે કે તમામ દેશોએ એકબીજા પ્રત્યેની સંપ્રભુતા, સ્વંત્ત્રતા, ક્ષેત્રીય અખંડતા અને હસ્તક્ષેપ ન કરવાના સિધ્ધાંતનું સન્માન કરવું જોઇએ. સાથોસાથ આ લેખમાં એ વાત પર પણ પ્રકાશ ફેંકાયો છે કે જો માલદીવમાં સ્થિતિ જો વધુ વણશે તો આંતર રાષ્ટ્રીય રીતે એનું નિરાકરણ લાવવું જોઇએ. 

5 ફેબ્રુઆરીથી માલદીવમાં કટોકટી
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ગત 6 ફેબ્રુઆરીથી દેશમાં સર્જાયેલ સ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકાર પાસે સૈન્ય હસ્તક્ષેપની માંગણી કરી હતી. એના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં કટોકટીની જાહેરાત કરી અને દેશના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશને જેલમાં બંધ કરી દીધા હતા. નશીદે ટ્વીટ કરી કહ્યું કે તે માલદીવના લોકો તરફથી ભારતને સેના સમર્થિક રાજકીય મદદ મોકલવાનો આગ્રહ કરી રહ્યા છે કે જેથી પૂર્વ રાષ્ટ્રપતિ મૈમૂન અબ્દુલ ગયૂમ સહિત રાજકીય નેતાઓ અને ન્યાયાધીશોને છોડાવી શકાય. 

ચીનની ભારતને ચેતાવણી
આ પહેલા 7 ફેબ્રપઆરીએ ચીને આડકતરી રીતે ભારતને માલદીવ મામલે હસ્તક્ષેપ ન કરવા માટે ચેતાવણી આપી હતી અને કહ્યું હતું કે દેશના રાજકીય સંકટમાં બહારથી હસ્તક્ષેપ કરવાથી સ્થિતિ વધુ બગડશે અને જટીલ બનશે. ચીને એ આરોપનો ઇન્કાર કર્યો હતો કે તે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનનું સમર્થન કરી રહ્યા છે. ચીને કહ્યું કે, બીજિંગ બીજા દેશના આંતરિક મામલોમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિનું પાલન કરે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, માલદીવમાં હાલની સ્થિતિએ એમનો આંતરિક મામલો છે. જેને એકબીજા સાથે વાતચીતથી જ ઉકેલી શકાય એમ છે. આંતર રાષ્ટ્રીય સમુદાયે માલદીવમાં કાર્યવાહી કરવાને બદલે દેશની સંપ્રભુતાનું સન્માન કરી સકારાત્મક ભૂમિકા નીભાવવી જોઇએ. કાર્યવાહી કરવાથી સ્થિતિ વધુ વણસી શકે છે. 

શું છે મામલો? 
માલદીવમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગત ગુરૂવારે (1લી ફેબ્રુઆરી)એ વિપક્ષના નવ હાઇ પ્રોફાઇલ નેતાઓને જેલમાંથી છોડી મુકવા અને એમની સામે કરાયેલા આરોપ રાજકીય પ્રેરિત હોવાનું કહેતાં દેશમાં રાજકીય સંકટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટના બાદ માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સુપ્રીમ કોર્ટના આ આદેશને માનવાનો ઇન્કાર કર્યો, જેને પગલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા. છેવટે રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટી જાહેર કરી એને ગણતરીના કલાકોમાં જ સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ્લા સઇદ અને અન્ય એક ન્યાયાધીશ અલી હમીદની ધરપકડ કરવામાં આવી હતી.