ચૂંટણી પહેલા મોદી સરકારની ખેડૂતોને ભેટ, નવી અનાજ ખરીદ નીતિ ''પીએમ-આશા''ને કેબિનેટની મંજૂરી

કેબિનેટ દ્વારા નવી સમગ્ર યોજના 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (પીએમ-આશા)ને મંજૂરી આપવામાં આવી, પીએમઆશા અંતર્ગત ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સંબંધિત આશ્વાસન અપાશે

webmaster A | Updated: Sep 12, 2018, 09:49 PM IST
ચૂંટણી પહેલા મોદી સરકારની ખેડૂતોને ભેટ, નવી અનાજ ખરીદ નીતિ ''પીએમ-આશા''ને કેબિનેટની મંજૂરી
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2019 પહેલાં મોદી સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (પીએમ-આશા) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ટેકાના ભાવમાં ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર લઘુત્તમ મુલ્ય નીતિ અંતર્ગત દર વર્ષે ખરીફ અને રવિ સિઝનનાં 23 પાકના ટેકાના ભાવ નક્કી કરે છે. 

સરકારે જુલાઈ મહિનામાં જ પાકના દોઢગણા ભાવ આપવાનું વચન પુરું કરીને અનાજના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિંટલ રૂ.200નો વધારો કર્યો હતો. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત અપાવાનો છે, જેની જાહેરાત વર્ષ 2018ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. 

'પીએમ-આશા'ની મુખ્ય બાબતો 
નવી સમગ્ર યોજનામાં ખેડૂતો માટે યોગ્ય કિંમત સુનિશ્ચિત કરવાની વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે. જેના અંતર્ગત નીચેની યોજનાઓનો સમાવેશ કરાયો છે. 
- મૂલ્ય સમર્થન યોજના (પીએસએસ)
- મુલ્ય લઘુત્તમ ચૂકવણી યોજના (પીડીપીએસ)
- ખાનગી ખરીદી અને સ્ટોકિસ્ટ પાઈલટ યોજના (પીપીપીએસ)

અનાજ, ઘંઉ અને પોષક અનાજ/જાડા અનાજની ખરીદી માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (ડીએફપીડી)ની અન્ય વર્તમાન યોજનાઓની સાથે-સાથે કપાસ અને જૂટની ખરીદી માટે કાપડ મંત્રાલયની અન્ય વર્તમાન યોજનાઓ પણ અમલમાં રહેશે, જેથી ખેડૂતોને આ પાકનો યોગ્ય લઘુત્તમ ટેકાનો ભાવ મળી શકે. 

કેબિનેટે ખેડૂતો પાસેથી અનાજની ખરીદીની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સુગમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ નીતિ સરકારની એ પહેલો ભાગ ઝે, જેમાં બજાર કિંમત સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં નીચે જાય તો પણ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળશે. આ ફાયદો મોટાભાગના ખેડૂતોને મળશે. આટલું જ નહીં, સરકારની આ મંજુરીથી ખેડૂતોને એફસીઆઈ જેવી સરકારી એજન્સીઓને પોતાની પેદાશ વેચવામાં સરળતા રહેશે. 

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા કેટલાક અન્ય નિર્ણય 
- ઈથેનોલના ભાવ નક્કી કરવાની પદ્ધતિ બદલાશે 
- સી-હેવી શીરાના ભાવ ઘટાડીને 43.46 રૂપિયા લીટર કરાયા
- બી-હેવી શીરાના ભાવ ઘટાડીને 52.43 રૂપિયા લીટર કરાયા
- ખાંડને બદલે ઈથેનોલના ઉત્પાદન પર ફાયદો મળશે 
- ઈથેનોલ બનાવતી મિલો માટે ભાવ પ્રતિ લીટર રૂ.59.19 કરાયો
- નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરાશે 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close