પંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી

સજાના ભાગ રૂપે પોલીસે દોરડા વડે મહિલાને બાંધી જીપની છત પર, મહિલા જીપ પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ

પંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી

અમૃતસરઃ પોલીસની ક્રૂરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક મધ્યમ વયની મહિલાને સજાના ભાગરૂપે પોલીસે જીપની છત પર બળજબરીપૂર્વક દોરડાંથી બાંધી અને પછી આખા શહેરમાં તેને ફેરવી હતી. તેનો વાંક માત્ર એટલો જ હતો કે પોલીસ દ્વારા તેના પતિને પકડીને લઈ જવાનો વિરોધ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા પોલીસની ચાલતી જીપ પરથી પડી ગઈ હતી અને તેને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક લોકો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. 

પોલીસ અમૃતસરના ચાવિન્ડા દેવી વિસ્તારમાં આ મહિલના ઘરે ગઈ હતી. પોલીસે મહિલાના સસરા સાથે જમીનની સંપત્તિના વિવાદ અંગે કેટલાક સવાલ પુછવા ગઈ હતી. પીડિત મહિલાના પિતા ઘરે ન હોવાને કારણે પોલીસે તેના પતિને ઉઠાવી લીધો હતો, જેનો મહિલાએ જોરદાર વિરોધ કર્યો હતો. તેની આવી પ્રતિક્રિયાથી ગુસ્સે ભરાયેલા પંજાબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના અધિકારીઓએ આ મહિલાને પકડીને તેમની જીપની છત પર બાંધી દીધી હતી અને સમગ્ર શહેરમાં ફેરવી હતી. 

પુરપાટ ઝડપે દોડતી પોલીસ જીપ પર બાંધેલી એક મહિલાનો વીડિયો જ્યારે વાઈરલ થયો ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસની જીપ જ્યારે ફુલ સ્પીડમાં એક સ્થળે વળાંક લે છે ત્યારે આ મહિલાનો જીપની છત પરથી પડી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. નીચે પડી ગયા બાદ મહિલા ઉભી થવાનો પ્રયાસ કરે છે, પરંતુ થઈ શકતી નથી. 

વીડિયોના આટલા પુરાવા સામે આવ્યા બાદ પણ હજુ સુધી દોષિત પોલીસ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જોકે, પગલાં લેવાને બદલે આ ઘટના મુદ્દે શિરોમણી અકાલી દળ અને સત્તાધારી કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ જરૂર શરૂ થઈ ગયું છે. 

આ ઘટનાએ પંજાબ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ એક કાર્યકર્તાને તેની પત્ની સાથે સંગરૂર ટાઉનમાં પોલીસે ઠાર માર્યો હતો. ગઈકાલે એટલે કે મંગલવારે પણ યુપી પોલીસની ક્રુરતાનો આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક મુસ્લિમ પુરુષને પ્રેમ કરવા બદલે હિન્દુ યુવતીને યુપીની પોલીસ ચાલુ કારમાં મારી રહી છે અને ગાળો ભાંડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news