રાજસ્થાન: કોંગ્રેસની બીજી યાદી જાહેર, વસુંધરા રાજે સામે માનવેન્દ્રને મેદાનમાં ઉતાર્યા

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસે આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.

રાજસ્થાન: કોંગ્રેસની બીજી યાદી જાહેર, વસુંધરા રાજે સામે માનવેન્દ્રને મેદાનમાં ઉતાર્યા

જયપુર: રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસે આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટ બહાર પાડતા પહેલા શનિવારે ખુબ મનોમંથન થયું હતું. કોંગ્રેસે 32 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 184 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. 

ખાસ વાત એ છે કે પાર્ટીએ આ લિસ્ટમાં ભાજપના પૂર્વ નેતા માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યાં છે અને તેમને ઝાલરાપાટનથી ટિકિટ આપી છે. માનવેન્દ્ર સિંહ અટલ બિહારી વાજપેયી સરકારમાં વરિષ્ઠ મંત્રી રહી ચૂકેલા જસવંત સિંહના પુત્ર છે. અત્રે જણાવવાનું કે તેમણે હાલમાં જ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા હવે તેમને ઝાલરાપાટનથી ટિકિટ અપાઈ છે. એટલે કે માનવેન્દ્ર સિંહ ઝાલરાપાટનથી મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સામે ચૂંટણી લડશે. 

નોંધનીય છે કે ઝાલરાપાટન એ સીએમ રાજેનો ગઢ ગણાય છે અને કદાચ આ જ કારણે ખુબ વિચાર વિમર્શ કરીને માનવેન્દ્રને અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આ ઉપરાંત હવામહેલથી મહેશ જોશી. માલવીય નગરથી ડો.અર્ચના શર્મા, સાંગાનેરથી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, આદર્શનગરથી રફીક ખાન, બુંદીથી હરી મોહન શર્મા, ગંગાપુરથી રાજેશ અગ્રવાલને ટિકિટ અપાઈ છે. 

ભાજપમાં પોતાની અવગણના થતા માનવેન્દ્ર કોંગ્રેસમાં જોડાયા
હકીકતમાં માનવેન્દ્ર સિંહ છેલ્લા 4-5 વર્ષથી ભાજપમાં રહીને તેમની અવગણના થતા નારાજ થયા હતાં. ત્યારબાદ તેમણે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મેં જ્યારે ભાજપના ટોચના નેતૃત્વને આ અંગે જાણ કરી તો તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહતી. સિંહે કહ્યું હતું કે હવે મારું ધૈર્ય જવાબ આપી ગયું છે અને પાર્ટી છોડી રહ્યો છું. કમળ કા ફૂલ, હમારી ભૂલ  કહીને તેમણે પાર્ટી છોડવાની વાત પર મહોર લગાવી હતી. 

કહેવાય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં બાડમેરથી પિતા જસવંત સિંહને ટિકિટ ન મળ્યા બાદથી માનવેન્દ્ર સિંહ ભાજપથી નારાજ હતાં. જો કે જસવંત સિંહ ત્યારબાદ એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં અને તેઓ ભાજપના ઉમેદવાર સોનારામથી ચૂંટણી હાર્યા હતાં. અત્રે જણાવવાનું કે 2014ની ચૂંટણીમાં માનવેન્દ્રએ ભાજપના અધિકૃત ઉમેદવારની વિરુદ્ધ પોતાના પિતા માટે પ્રચાર કર્યો હતો. કહેવાય છે કે તેઓ ત્યારથી જ ભાજપ સાથે અઘોષિત યુદ્ધ જાહેર કરી ચૂક્યા હતાં. 

માનવેન્દ્ર સિંહ અગાઉ બાડમેર-જેસલમેર લોકસભા વિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે. 2003ની લોકસભા ચૂંટણીમાં માનવેન્દ્ર સિંહે સૌથી વધુ મતો મેળવીને રેકોર્ડ જીત મેળવી હતી. માનવેન્દ્રની નારાજગીનું કારણ એ પણ ગણાવવામાં આવી રહ્યું છે કે ભાજપની અટલ સરકારમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જસવંત સિંહની તબિયત બગડી ત્યારે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે સમયે તેમને મળવા માટે ફક્ત ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી જ આવ્યાં હતાં. 

જો કે માનવેન્દ્ર સિંહના ભાજપ છોડ્યા બાદ કોંગ્રેસમાં સામેલ થવાનો ફાયદો કોંગ્રેસને જરૂર મળશે. નોંધનીય છે કે રાજપૂત સમુદાય પ્રદેશમાં ભાજપની મોટી વોટબેંક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news