સિદ્ધરમૈયા સરકારનો મોટો નિર્ણય: લિંગાયતોને આપ્યો અલગ ધર્મનો દરજ્જો

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા સિદ્ધરમૈયા સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મ આપીને માસ્ટર સ્ટ્રોક મારવાની સાથે મોદી સરકારને ધર્મ સંકટમાં મુકી દીધી છે

સિદ્ધરમૈયા સરકારનો મોટો નિર્ણય: લિંગાયતોને આપ્યો અલગ ધર્મનો દરજ્જો

નવી દિલ્હી : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સરકારે લિગાયતો મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે નાગમોહન કમિટીની ભલામણોને સ્વિકારતા લિંગાયતોને ધર્મ સ્વરૂપે માન્યતા આપી દીધી છે. સિદ્ધરમૈયાએ લિંગાયત સમુદાયને અલગ ધર્મ માનીને લઘુમતીનો દરજ્જો આપ્યો છે.  કર્ણાટક સરકારની કેબિનેટની મંજુરી મળ્યા બાદ હવે તે કેન્દ્રની ભાજપ સરકાર પાસે મોકલવામાં આવશે. 
સિદ્ધરમૈયા સરકારનો આ પગલાને મોટુ રાજનીતિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, કર્ણાટકમાં આશરે 21 ટકા લિંગાયત સમુદાયનાં લોકો છે, સાથે જ ભાજપનાં મુખ્યમંત્રી પદનાં દાવેદાર બી.એસ યેદિયુરપ્પા લિંગાયત સમુદાયમાંથી જ આવે છે.

લિંગાયત સમુદાયનો ઇતિહાસ
કર્ણાટકની રાજનીતિમાં મહત્વની ભુમિકા નિભાવનારા લિંગાયત સમુદાય આખરે શું છે અને તેનાં મુદ્દે આટલી રાજનીતિ શા માટે થઇ રહી છે ? ભક્તિકાલ દરમિયાન 12મી સદીમાં સમાજ સુધારક બસવન્નાએ હિન્દુ ધર્મમાં જાતિ વ્યવસ્થા વિરુદ્ધ આંદોલન કર્યું હતું. તેમણે વેદોને ફગાવીને મૂર્તિપુજાનો વિરોધ કર્યો હતો. તેમણે શિવનાં ઉપાસકોને એકત્રીત કરીને વીરશૈવ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
માન્યતા છે કે વીરશૈવ અને લિંગાયત એક જ છે, પરંતુ લિંગાયત લોકો એવું નથી માનતા. તેમનું માનવું છે કે વીરશૈવ લોકોનું અસ્તિત્વ સમાજ સુધારક બસવન્નાનાં ઉદય પહેલા પણ હતું. લિંગાયતનું કહેવું છે કે શિવની પુજા નથી કરતા પરંતુ પોતાનાં શરીર પર અષ્ટ લિંગ ધારણ કરે છે. આ એક ગોળ આકૃતી હોય છે, જેને તેઓ પોતાનાં ગળા અથવા હાથ પર બાંધે છે. 

લિંગાયત અને રાજકારણ પર અસર
રાજનીતિક વિશ્લેષકો લિંગાયતને એક જાતીય પંથ માને છે, ના કે એક ધાર્મિક પંથ, રાજ્યમાં આ લોકો અન્ય પછાત વર્ગમાં આવે છે. સારી એવી વસ્તી ધરાવતા અને આર્થિક રીતે મધ્યમ હોવાનાં કારણે કર્ણાટકની રાજનીતિ પર તેમની પ્રભાવી પકડ છે. 80નાં દશકની શરૂઆતમાં રામકૃષ્ણ હેગડેએ લિંગાયત સમાજનો ભરોસો જીત્યો. હેગડેનાં મૃત્યુ બાદ યેદિયુરપ્પા લિંગાયતોનાં નેતા બન્યા. 2013માં ભાજપે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદથી હટાવ્યા તો લિંગાયત સમાજે ભાજપને મત્ત નહોતો આપ્યો પરિણામે કોંગ્રેસ સરકાર આવી.
હવે ભાજપ ફરીથી લિંગાયત સમાજમાં ઉંડી પકડ ધરાવતા યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે આગળ ધરી રહી છે. જો કોંગ્રેસ લિંગાયત સમુદાયનાં વોટને તોડવામાં સફળ થશે તો તે ભાજપ માટે નુકસાનકારક સાબિત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news