'પદ્માવત'ની રિલીઝ અટકાવવા માગતી મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારને SCનો ફટકો, ફગાવી અરજી

'પદ્માવત' હવે આખા દેશમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. 

'પદ્માવત'ની રિલીઝ અટકાવવા માગતી મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારને SCનો ફટકો, ફગાવી અરજી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ અટકાવવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે કરેલી અરજી ફગાવી દીધી છે. 'પદ્માવત' હવે આખા દેશમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે લો અને ઓર્ડરનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી અને રિવ્યુ પીટિશન દાખલ કરીને ફિલ્મ રિલીઝ ન કરવાની અપીલ કરી હતી. હવે ફિલ્મની રિલીઝને ગણતરીના કલાકની વાર છે ત્યારે આ ફિલ્મનો વિરોધ કરવા માટે રસ્તા પર ધમાલ મચી રહી છે. હાલમાં દેશના અલગ-અલગ શહેરોમાં ભારે ધમાલ મચી રહી છે. 

ચિત્તોડગઢમાં સ્વાભિમાન રેલી
સંજય લીલા ભણશાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માંગ સાથે રાજપૂત મહિલાઓ પણ મેદાનમાં આવી છે અને ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે. રવિવારે ચિત્તોડગઢમાં મહિલાઓએ સ્વાભિમાન રેલી નીકાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપૂત મહિલાઓએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાલી વિરોધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. 

રાણી પદ્માવતીએ ચિત્તોડ કિલા પર અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન આત્મસમ્માનની રક્ષા માટે 16 હજાર અન્ય મહિલાઓ સાથે જોહર કર્યું હતું. ભણસાલીની ફિલ્મ રાણી પદ્માવતી પર આધારિત છે અને રાજપૂત સંગઠનોનો આરોપ છે કે તેમાં રાણી પદ્માવતીના સંબંધમાં ખોટા તથ્ય રજૂ કર્યા છે તથા ઇતિહાસ સાથે છેડછાડ કરી છે. રેલી દરમિયાન મહિલાઓએ ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. બીજીતરફ શ્રીરાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહે પૂર્વ રાજવંશજોને આગ્રહ કર્યો છે કે તે પોતાના આધીન સ્મારક તથા કિલ્લાને ફિલ્મના પ્રતિબંધ સુધી પર્યટકો માટે બંધ રાખે. 

અમદાવાદમાં ચુસ્ત સિક્યુરિટી
પદ્માવત ફિલ્મને નિહાળવા આતુર લોકો હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આ વિવાદાસ્પદ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ગુજરાતમાં પણ આ ફિલ્મ સામે જોરદાર વિરોધ ચાલુ છે, ત્યારે અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે આ ફિલ્મ રિલીઝ થશે. અમદાવાદમાં જે થિયેટર્સને જોરદાર પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનો ફિલ્મ રિલીઝ થઈ તો હિંસા પર ઉતરી આવવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે આ 25મીએ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી પોલીસ માટે પણ પડકાર છે જેનો સામનો કરવા પોલીસ તૈયાર છે. 

હાર્દિકની પણ વિવાદમાં એન્ટ્રી
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કરેલા ફિલ્મ પદ્માવતના વિરોધ પછી હાર્દિક પટેલે પણ ફિલ્મની રીલિઝ પર રોકની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને લેટર લખીને રીલિઝ અટકાવવાની માંગ કરી છે. આ પહેલાં VHP અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફિલ્મ દેશમાં રીલિઝ ન થવા દેવાની ડિમાન્ડ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news