ચર્ચાસ્પદ ફોટોઃ જ્યારે ફઈબા વસુંધરાએ ભત્રીજા જ્યોતિરાદિત્યને લગાવ્યો ગળે...

રાજસ્થાનના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યા હતા, અહીં તેમની મુલાકાત તેમના ભત્રીજા અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સાથે થતાં તેમણે કંઈક આવી લાગણીશીલ પ્રતિક્રિયા આપી હતી અને હવે આ ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે... 

ચર્ચાસ્પદ ફોટોઃ જ્યારે ફઈબા વસુંધરાએ ભત્રીજા જ્યોતિરાદિત્યને લગાવ્યો ગળે...

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ત્રીજી વખત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે સચિન પાઈલટે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ શપથગ્રહણ સમારોહમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા પણ હાજર રહ્યા હતા. અહીં તેમની મુલાકાત ભાજપનાં નેતાની મુલાકાત તેમના ભત્રીજા અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે થઈ હતી. આ પ્રસંગે વસુંધરાએ પોતાના રાજકીય મતભેદોની સીમા ઓળંગીને જ્યોતિરાદિત્યને પ્રેમપૂર્વક ગળે લગાવી દીધો હતો. ફઈબા અને ભત્રીજાના આ મિલનનો ફોટો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યો છે. 

કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને અનેક વિરોધ પક્ષના નેતાઓની હાજરીમાં જયપુરના અલ્બર્ટ હોલમાં બંને નેતાઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ અત્યંત ઉત્સાહપૂર્વક રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ ભાજપના આ નેતાએ મંચ પર હાજર તેમના ભત્રીજા અને કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને ગળે લગાવ્યો હતો. 

(પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનેલા અશોક ગેહલોતને અભિનંદન પાઠવ્યા હતા)

સિંધિયા રાજઘરાણાનું રાજકારણ ક્ષેત્રે યોગદાન
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજકારણમાં મહત્વની ભૂમિક ભજવનારો સિંધિયા પરિવાર ગ્વાલિયર રજવાડા સાથે સંબંધ ધરાવે છે. આ રાજપરિવારની રાજમાતા વિજયા રાજે સિંધિયા ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક રહી ચૂક્યા છે. રાજમાતાના પુત્ર દિવંગત માધવરાવ સિંધિયા કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. હવે માધવરાવના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના ગુના-શિવપુરી બેઠક પરથી વર્તમાન સાંસદ છે. કેન્દ્રની મનમોહન સરકારમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 

(પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટને પણ અભિનંદન પાઠવ્યા હતા.)

માધવરાવનાં બહેન એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના ફઈબા વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનનાં ટોચનાં નેતા છે. જ્યોતિરાદિત્યના બીજા ફઈબા યશોધરા રાજે સિંધિયા મધ્યપ્રદેશની શિવપુરી વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય છે અને તેઓ શિવરાજ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે. 

શિવરાજ સિંહ ચોહાણ પર હાજર રહ્યા કમલનાથના શપથ ગ્રહણ સમારોહમાં 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અને 15 વર્ષ સુધી મધ્યપ્રદેશમાં સત્તાના સૂત્રો સંભાળનારા શિવરાજ સિંહ ચૌહાણે હાજર રહીને સૌને ચોંકાવી દીધા હતા. શિવરાજે મંચ પર વર્તમાન મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો હાથ પકડીને ઊંચા કરીને લોકોને અભિવાદન આપ્યું હતું. આ રીતે નેતાઓએ એક્તા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news