સુરતની યુવતીનું હૃદય મુંબઈની મહિલામાં ધબકતું થયું, સુરતમાંથી 20મા હૃદયનું દાન કરાયું

Sep 29, 2018, 11:48 PM IST

સુરતથી મુંબઈ વચ્ચેનું 269 કિમીનું અંતર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને માત્ર 2 કલાકમાં કાપીને મુંબઈ પહોંચાડવામાં આવ્યું

સુરત: 29 સપ્ટેમ્બર, શનિવારે સુરત શહેરમાંથી 20મા હૃદયનું દાન કરવામાં આવ્યું હતું. 20 વર્ષની બ્રેઈન ડેડ સોની સુનિલભાઈ સપકડેનું હૃદય મુંબઈની 37 વર્ષની મહિલામાં ધબકતું થયું હતું. મુંબઈમાં હૃદય પ્રત્યારોપણની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ધબકતું હૃદય કાઢીને ડોનેટ લાઈફ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટમાં મુંબઈ મોકલવામાં આવ્યું હતું. સુરત અને મુંબઈ વચ્ચેનું 269 કિમીનું આ અંતર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને માત્ર 2 કલાકમાં કાપવામાં આવ્યું હતું. અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલી સોનીના માતા-પિતાને તેનાં હૃદયનું દાન કરવા માટે ડોનેટ લાઈફ સંસ્થાના સભ્યો અને ડોક્ટરો દ્વારા સમજાવાયા બાદ તેઓ તૈયાર થયા હતા અને આ રીતે તેમણે એક અજાણી મહિલાને જિંદગી બક્ષી હતી. સુરતથી આ મહિનામાં આ બીજા હૃદયનું દાન કરાયું હતું. અગાઉ, 13 સપ્ટેમ્બરના રોજ એક યુવકનું હૃદય દિલ્હી ટ્રાન્સફર કરાયું હતું. 

1/7

ડોક્ટરો દ્વારા પરિવારને સમજાવાયો

ડોક્ટરો દ્વારા પરિવારને સમજાવાયો

અકસ્માતમાં બ્રેઈન ડેડ થઈ ગયેલી 20 વર્ષની સોનીનું હૃદય સંપૂર્ણપણે કામ કરતું હતું. આથી સુરતની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો અને ડોનેટ લાઈફ સંસ્થાના કર્મચારીઓએ સોનીના માતા-પિતા અને પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સોનીના હૃદયનું દાન કરવા રાજી કર્યા હતા.

2/7

પરિજનોની અંતિમ વિદાય

પરિજનોની અંતિમ વિદાય

સોનીના હૃદયનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ પરિવારજનોએ વ્હાલ વરસાવીને સોનીને અંતિમ વિદાય આપી હતી.

3/7

ડોક્ટરો અને પરિજનો દ્વારા પ્રાર્થના

ડોક્ટરો અને પરિજનો દ્વારા પ્રાર્થના

સોનીના હૃદયને તેના શરીરમાંથી ઓપરેશન દ્વારા કાઢતા પહેલાં હોસ્પિટલના રૂમમાં ડોક્ટર અને પરિજનો દ્વારા તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમયે સૌની આંખમાંથી અશ્રૃધારા વહેતી હતી. 

4/7

સોનીનાં પરિજનોનું રૂદન

સોનીનાં પરિજનોનું રૂદન

સોનીને ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ ત્યારે તેનાં પરિજનો રડી પડ્યા હતા. 

5/7

હૃદયને વિશેષ થેલીમાં પેક કરાયું

હૃદયને વિશેષ થેલીમાં પેક કરાયું

સોનીના શરીરમાંથી તેનું હૃદય કાઢી લીધા બાદ એક વિશેષ થેલીમાં પેક કરીને તેને બરફથી ભરેલા ઈન્સ્યુલેટર બોક્સમાં મુકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હૃદયને જીવંત રાખવા માટે ચોક્કસ તાપમાન જાળવી રાખવું અનિવાર્ય હોય છે. 

6/7

સુરત સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર

સુરત સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર

સોનીના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પોલિસ સાથે કો-ઓર્ડિનેશન કરીને સુરતની નવી સિવિલથી એરપોર્ટ સુધીના સમગ્ર રસ્તા પર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી હૃદય લઈને ટીમ એરપોર્ટ પર પહોંચી હતી. 

7/7

અંગદાનને સફળતાપૂર્વક પાર પાડનારી ટીમ

અંગદાનને સફળતાપૂર્વક પાર પાડનારી ટીમ

સોનીના અંગદાનને સફળતાપૂર્વક પુરું કરવા માટે સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમથી માંડીને પોલીસ અને ડોનેટ લાઈફ સંસ્થાના કાર્યકર્તાઓએ અત્યંત મહત્ત્વની કામગિરી પૂરી પાડી હતી.