એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સ્વપ્નાના પગનો દુખાવો દૂર કરશે સાઈ, બનાવી આપશે વિશેષ બૂટ

પશ્ચિમ બંગાળની સ્વપ્ના બર્મના બંને પગમાં 6-6 આંગળીઓ છે, જેના કારણે સામાન્ય બૂટ પહેરવાથી તેના પગમાં દૂખાવો થાય છે 

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સ્વપ્નાના પગનો દુખાવો દૂર કરશે સાઈ, બનાવી આપશે વિશેષ બૂટ

નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સમાં પગમાં દુઃખાવો હોવા છતાં ગોલ્ડ જીતનારી સ્વપ્ના બર્મન માટે એક સારા સમાચાર છે. તેને પગના દુખાવામાંથી હવે વહેલાસર રાહત મળી જશે. સાઈ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ તેના માટે વિશેષ પ્રકારના બૂટ બનાવવા માટે એડિડાસ સાથે કરાર કર્યો છે. 21 વર્ષની સ્વપ્નાએ એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ રમતમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ એથ્લીટ છે. 

ઓલિમ્પિક માટે ટોપ્સ સ્કીમમાં સામેલ છે સ્વપ્ના
પશ્ચિમ બંગાળની સ્વપ્નાના પગમાં 6-6 આંગળીઓ છે. આ કારણે તે સામાન્ય બૂટ પહેરી શકતી નથી. આપણે જે બૂટ પહેરીએ છીએ તેવા બૂટ પહેરીને દોડવામાં તેને મુશ્કેલી આવે છે અને તેના પગમાં દુઃખાવો થઈ જાય છે. દોડવાની પ્રેક્ટિસ કર્યા બાદ તે સતત દુઃખાવો અનુભવતી રહે છે. એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા બાદ તેણે પોતાને થતી આ તકલીફ અંગે લોકોને જાણ કરી હતી. સ્વપ્નાને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારની ટોપ્સ સ્કીમમાં સામેલ કરાઈ હતી. ટોપ્સ સ્કીમમાં એવા ખેલાડીને સામેલ કરવામાં આવે છે, જે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકે છે. 

સાઈએ કર્યો એડિડાસ સાથે કરાર
સાઈના મહાનિદેશક નીલમ કપૂરે જણાવ્યું કે, 'સ્વપ્નાની વાત જાણ્યા બાદ રમત-ગમત મંત્રાલયે અમને સુચના આપી છે કે, તેના માટે વિશેષ બૂટની વ્યવસ્થા કરવામાં આવે. અમે એડિડાસ સાથે આ સંદર્ભે વાત કરી છે. કંપનીએ સ્વપ્ના માટે વિશેષ પ્રકારના બૂટ બનાવી આપવા તૈયારી દર્શાવી છે. આશા છે કે, ટૂંક સમયમાં જ તેને તેના પગના હિસાબે બૂટ મળી જશે.'

સ્વપ્ના સાથે મળીને વાત કરીશઃ કોચ 
સ્વપ્નાના કોચ સુભાષ સરકારે પણ જણાવ્યું કે, તેમને સાઈનો ઈમેલ મળ્યો છે. જેમાં સ્વપ્ના માટે વિશેષ બૂટની માગ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, 'હા, મને સાઈ તરફથી ઈમેલ મળ્યો છે, જેમાં સ્વપ્ના માટે કસ્ટમાઈઝ બૂટ બનાવવા અંગે વિગતો માગવામાં આવી છે. મારે હજુ સ્વપ્નાને મળવાનું બાકી છે. તે અત્યારે ઈજાગ્રસ્ત છે. તેને મળ્યા બાદ આ અંગે ચર્ચા કરીશ.' 

(જલપાઈગુડીમાં પતરાની દિવાલોથી બનેલા ઘરમાં રહે છે સ્વપ્નાનો પરિવાર)

સાઈ કોમ્પ્લેક્સની નજીકમાં ઘર જોઈએ છે સ્વપ્નાને 
જલપાઈગુડીની રહેનારી સ્વપ્ના બર્મન પાસે કોલકાતામાં રહેવા માટે કોઈ ઘર નથી. તેણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, 'મારી એક ઈચ્છા છે કે સાઈ કોમ્પ્લેક્સની નજીકમાં જ મારું ઘર હોય. ટ્રેનિંગ દરમિયાન તો સાઈ કોમ્પ્લેક્સમાં રહેવા મળે છે, પરંતુ તે પુરી થઈ ગયા બાદ કોલકાતામાં રહેવા માટે મારી પાસે કોઈ સ્થાન નથી. જો સરકાર મને એક ઘર આપે છે તો મને ઘણી મદદ મળશે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news