IPL 2018: વોટસનની સદી, ચેન્નઈએ રાજસ્થાનને 64 રને હરાવ્યું

આઈપીએલની 11મી સીઝનના 17માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો છે. 

 

IPL 2018: વોટસનની સદી, ચેન્નઈએ રાજસ્થાનને 64 રને હરાવ્યું

પુણેઃ શેન વોટસનની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી અહીં રમાયેલી આઈપીએલની સીઝન 11ના 17માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સને 64 રને પરાજય આપ્યો છે. 205 રનનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ચેન્નઈએ આપેલા 205 રનનો લક્ષ્ય હાસિલ કરવા માટે રાજસ્થાન તરફતી કેપ્ટન રહાણે અને આઈપીએલમાં પ્રથમ વખત રહી રહેલા ક્લાસેને ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ આ પહાડી લક્ષ્ય સામે રાજસ્થાનના ઓપનરો સારૂ શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈનિંગની બીજી ઓવરમાં ક્લાસેન 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ શાનદાર ફોર્મમાં રહેલ સંજુ સૈમસન પણ માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. ટીમનો સ્કોર 32 પર પહોંચ્યો તો કેપ્ટન રહાણેને ચહરે બોલ્ડ કરીને રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

ત્યારબાદ બટલર અને સ્ટોક્સે ચોથી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. ટીમનો સ્કોર 77 રને પહોંચ્યો ત્યારે બ્રાવોએ તેની પ્રથમ ઓવરના પ્રથમ બોલે બટલરને આઉટ કર્યો હતો. તેણે 22 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બેન સ્કોક્સ 37 બોલમાં 45 રન બનાવી તાહિરનો શિકાર બન્યો હતો.  બિન્ની 10 રન અને ગૌથમ માત્ર 1 રન બનાવી આઉટ થયા હતા. રાજસ્થાનની પુરી ટીમ 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈ તરફથી બ્રાવો, ચહર, ઠાકુર અને કર્ણ શર્માને બેે-બે વિકેટ મળી હતી. જ્યારે તાહિર અને વોટસનને એક-એક સફળતા મળી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સનો ધુંઆધાર બેટ્સમેન શેન વોટસન ફરી એકવાર પોતાના રંગમાં નજર આવ્યો. વોટસને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલની 11મી સીઝનના મેચમાં શાનદાર સદી ફટકારી. તેણે આ સીઝનની બીજી અને પોતાની પ્રથમ સદી ફટકારી. વોટસને 106 રન બનાવ્યા અને તે અંતિમ ઓવરના પાંચમાં બોલ પર બેન લોફલિનનો શિકાર બન્યો. 

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો અને ચેન્નઈ માટે શેન વોટસન ઓપનિંગમાં આવ્યો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડરે ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી અને િક્સ સાથે 28 બોલમાં તેની અર્ધસદી પુરી કરી. તેણે પોતાની સદી 51 બોલમાં પુરી કરી હતી. શેન વોટસને 57 બોલની ઈનિંગમાં 9 ફોર અને 6 સિક્સ ફટકારી. વોટસનની શાનદાર ઈનિંગને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. 

શેન વોટસન પહેલા ક્રિસ ગેલે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી 58 બોલમાં સદી ફટકારી તે આ સીઝનની પ્રથમ સદી હતી. વોટસને એક દિવસ બાદ તેનો રેકોર્ડ તોડ્યો અને 51 બોલમાં પોતાની સદી પુરી કરી. વોટસને તેના આઈપીએલ કેરિયરની ત્રીજી સદી ફટકારી છે. 

તેણે આ સાથે આઈપીએલમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો. વોટસને 2015માં રાજસ્થાન રોયલ્સ માટે રમતા કેકેઆર વિરુદ્ધ અણનમ 104 અને 2013માં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 101 રનની ઈનિંગ રમી હતી. 

વોટસન સિવાય ચેન્નઈ તરફતી રૈનાએ 29 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 46 રન ફટકાર્યા હતા. આ સિવાય રાયડુ 12, ધોની 5, બિલિંગ્સ 3 રન બનાવી આઉટ થયા હતા. બ્રાવો 24 અને જાડેજા 2 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

રાજસ્થાન તરફતી શ્રેયસ ગોપાલ સૌથી સફલ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય બેન લોફલિનને 2 સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news