CWG 2018 : હોકીમાં મલેશિયાને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું ભારત

ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા કોમનવેલ્થ ગેમ્સમાં મલેશિયાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

CWG 2018 : હોકીમાં મલેશિયાને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું ભારત

ગોલ્ડ કોસ્ટઃ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ડ્રો થતા ભારતની આશાને ઝટકો લાગ્યો હતો, પરંતુ ભારતે શાનદાર વાપસી કરતા રોમાંચક મેચમાં વેલ્સને અને ત્યારબાદ મંગળવારે મલેશિયાને પરાજય આપ્યો હતો. 

ગોલ્ડ કોસ્ટ હોકી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે મલેશિયાને 2-1થી પરાજય આપ્યો. ભારત માટે હરમનપ્રીત સિંહ ત્રીજી અને 44મી મિનિટે ગોલ કર્યો જ્યારે મલેશિયા માટે ફૈજલ સારીએ 16મી મિનિટે ગોલ કર્યો હતો. હરમનપ્રીતે બંન્ને ગોલ પેનલ્ટી કોર્નરની મદદથી કર્યા હતા. 

ભારતે મેચની શાનદાર શરૂઆત કરી અને ત્રીજી મિનિટે લીડ મેળવી લીધી હતી. આ ગોલ પેનલ્ટી કોર્નરની મદદથી થયો હતો. પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0થી આગળ હતું. 

બીજા ક્વાર્ટરમાં મલેશિયા સ્કોર બરોબર કરવામાં સફળ રહ્યું હતું. મલેશિયા માટે આ ગોલ ફૈજલ સારીએ કર્યો હતો. ત્યાર બાદ આગામી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ ભારત ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું. બીજા ક્વાર્ટરના અંતે સ્કોર 1-1ની બરોબરી પર હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર હરમનપ્રીતે ગોલ કરતા ભારતને 2-1ની લીડ અપાવી દીધી. આ લીડને ભારતે અંતિમ ક્વાર્ટર સુધી જાળવી રાખી અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

રોમાંચક મેચમાં વેલ્સ સામે વિજય
એક સમયે આ મેચ 3-3થી ડ્રો થાય તેમ લાગતું હતું, પરંતુ 58મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર પર એસવી સુનીલે રિબાઉન્ડ ગોલ કરતા ભારતને જીત અપાવી હતી. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 2-2થી ડ્રો રહી હતી. સુનીલ સિવાય આ મેચમાં ભારત માટે દિલપ્રીતે 16મી, મનદીપે 27મી અને રૂપિંદર પાલ સિંહે 57મી મિનિટે ગોલ કર્યો હતો. બીજી તરફ વેલ્સ માટે ગારેથ ફરલોંગે હેટ્રિક લગાવી હતી. તેણે મેચની 17મી, 44મી અને 57મી મિનિટે ગોલ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news