INDvsAUS: વિરાટ કોહલી 64મી સદી, એડિલેડમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

વિરાટ કોહલીએ પોતાની સદી દરમિયાન શ્રીલંકાના કુમાર સાંગાકારા, તિલકરત્ને દિલશાન સહિત ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 
 

 INDvsAUS: વિરાટ કોહલી 64મી સદી, એડિલેડમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તેણે મંગળવાર (15 જાન્યુઆરી)ના એડિલેડમાં રમાયેલી વનડેમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે ક્રિકેટમાં આ 39મી સદી છે. હવે તે સચિન તેંડુલકરની 49 વનડે સદીથી 10 સદી દૂર છે. વનડે સદીના મામલામાં સચિન અને વિરાટની આસપાસ કોઈ નથી. 

વિરાટની એડિલેડના મેદાન પર બીજી વનડે સદી છે. તેણે ચાર વર્ષ પહેલા વિશ્વકપમાં 15 ફેબ્રુઆરી 2015ના આ મેદાન પર સદી ફટકારી હતી. ત્યારે વિરાટે 107 રન ફટકાર્યા અને ભારત 76 રનથી જીત્યું હતું. કોહલી સિવાય ભારતના માત્ર બે બેટ્સમેને સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ એડિલેડમાં સદી ફટકારી શક્યા છે. સૌરવે અહીં વર્ષ 2000માં 141 રન ફટકાર્યા હતા. તો લક્ષ્મણે 2004માં ઝિમ્બાબ્વે સામે 131 રન બનાવ્યા હતા. 

ઓવરઓલ સદી ફટકારવામાં સાંગાકારાને છોડ્યો પાછળ
જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, એટલે કે તમામ ફોર્મેટને ભેગા મળીને વાત કરીએ તો સૌથી વધુ 100 સદી સચિનના નામે છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે 71 સદી છે. વિરાટ એડિલેડમાં સદી ફટકારીને ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 64 શતક થઈ ગયા છે. તેમાં 25 ટેસ્ટ સદી સામેલ છે. વિરાટ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલામાં આ મેચ પહેલા સાંગાકારાના બરોબરી પર હતો. લંકાના સાંગાકારાએ 63 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. 

તિલકરત્ને દિલશાનને છોડ્યો પાછળ
વિરાટે પોતાની આ ઈનિંગ દરમિયાન વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તિલકરત્ને દિલશાનને પાછળ છોડી દીધો છે. વિરાટે આ મેચ પહેલા 217 વનડે મેચોમાં 10235 રન બનાવ્યા હતા. તેણે સદી ફટકારવાની સાથે દિલશાનને પાછળ છોડી દીધો છે. શ્રીલંકાના દિલશાનના નામે 330 વનડે મેચોમાં 10290 રન હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news