INDvsSA: સાઉથ આફ્રિકાને ઘરઆંગણે હરાવીને ભારતનો ઐતિહાસિક શ્રેણી વિજય

સાઉથ આફ્રિકાને પ્રથમવાર ઘરઆંગણે હરાવીને ભારતીય ટીમે વનડે શ્રેણી પર કબજો કરી લીધો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 14, 2018, 12:00 AM IST
 INDvsSA: સાઉથ આફ્રિકાને ઘરઆંગણે હરાવીને ભારતનો ઐતિહાસિક શ્રેણી વિજય
ફોટોઃ બીસીસીઆઈ ટ્વીટર

પોર્ટ એલિઝાબેથઃ આખરે ભારતીય ટીમનું સપનું પુરૂ થયું છે. સાઉથ આફ્રિકાની ધરતી પર કોહલી સેનાએ પ્રથમ શ્રેણી વિજય પ્રાપ્ત કર્યો છે. પાંચમી વનડેમાં આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયા છ મેચની શ્રેણીમાં 4-1થી આગળ થઈ ગઈ છે.  ભારતના 274 સામે આફ્રિકાની ટીમ 201 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાંચમી વનડેમાં ભારતે 73 રને જીત મેળવી હતી. 

પાંચમી વનડેમાં રોહિત શર્માની સદીની મદદથી ભારતે સાઉથ આ્રફ્રિકાને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટેના ભોગે 274 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 115 રન ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ધવન અને રોહિતે આક્રમક શરૂઆત કરી હતી. ધવનને 34 રનના અંગત સ્કોરે રબાડાએ આઉટ કર્યો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલ કેપ્ટન કોહલી અને રોહિતે ભારતની બાજી સંભાળી હતી. કોહલી 36 રનના સ્કોરે રન આઉટ થતા ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ રહાણે પણ 8 રનના સ્કોરે રનઆઉટ થયો હતો. રોહિત શર્માના યશ નોના કોલને કારણે આ બંન્ને ખેલાડીઓ રન આઉટ થયા હતા. હાર્દિક પંડ્યા ફરી એક વખત ફ્લોપ રહ્યો હતો અને માત્ર શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. અયૈરના 30, ધોનીના 13 અને ભુવનેશ્વરે અણનમ 19 રન બનાવ્યા હતા. 

275 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી હતી. અમલા અને માર્કરમે પ્રથમ વિકેટ માટે 52 રન જોડ્યા હતા. ત્યારબાદ માર્કરમ 32 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્રીજા નંબરે બેટિંગમાં આવેલા ડ્યુમિનીને હાર્દિક પંડ્યાએ 1 રનના સ્કોરે સ્લીપમાં રોહિતના હાથમાં ઝીલાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. એબીડી પણ માત્ર 6 રન બનાવી હાર્દિકનો શિકાર બન્યો હતો. 

આ વિકેટ બાદ અમલા અને મિલરે સાથે મળીને 62 રનની ભાગીદારી કરી હતી. ચહલે 36 રનના અંગત સ્કોરે મિલને બોલ્ડ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. આફ્રિકાએ 170 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. ક્લાસેન અને રબાડા ક્રિઝ પર છે. અમલા 72 રન બનાવી રનઆઉટ થયો હતો. કુલદીપ યાદવે એક ઓવરમાં આફ્રિકાને બે ઝટકા આપ્યા હતા, રબાડા 3 અને ક્લાસેન 39 રન બનાવી આઉટ થયા હતા. 

ભારત તરફથી કુલદીપે 4, ચહલ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. બુમરાહને પણ એક સફળતા મળી હતી. 

બંન્ને ટીમ આ પ્રમાણે છે 
ભારતઃ વિરાટ કોહલી, રોહીત શર્મા, શિખર ધવન, રહાણે, ધોની, શ્રેયષ અય્યૈર, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ચહલ, કુલદીપ યાદવ, બુમરાહ 

આફ્રિકન ટીમઃ અમલા, માર્કરામ, હેઈનરિક ક્લાસેન, ડ્યુમિની, મિલર, એબી ડિવિલિયર્સ, મોરિસ, રબાડા, લુંગી એન્ગિડી, શમ્સી અને એડન ફેહુલકવાયો 

કોહલીનું વિરાટ પ્રદર્શન
આ છ વનડે મેચની શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શ વિરાટ રહ્યું છે. તે રમાયેલી ચાર વનડેમાં 393 રન બનાવી ચૂક્યો છે. જેમાં બે સદી ફટકારી છે. કેપ્ટન કોહલી ઉપરાંત ઓપનર શિખર ધવન પણ સારા ફોર્મમાં છે. આજની મેચમાં પણ તે સારો દેખાવ કરે એવી આશા છે. 

રોહિત શર્માનો ફ્લોપ શો
દક્ષિણ આફ્રિકા સામેની છ મેચની શ્રેણીમાં ઓપનર રોહિત શર્માનો ફ્લોપ શો જોવા મળી રહ્યો છે. રમાયેલી પ્રથમ ચાર વન ડેમાં રોહિત શર્માએ માત્ર 40 રન જ બનાવ્યા છે.