હવે WhatsAppથી ટ્રાન્સફર થઈ શકશે પૈસા! આ છે લેટેસ્ટ ન્યૂઝ

સામાન્ય રીતે મેસેજ, વીડિયો અને ફોટો મોકલવા માટે વપરાતું વોટ્સએપ હવે મહત્વપૂર્ણ કામ કરી રહ્યું છે

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 10, 2018, 04:12 PM IST
હવે WhatsAppથી ટ્રાન્સફર થઈ શકશે પૈસા! આ છે લેટેસ્ટ ન્યૂઝ

નવી દિલ્હી : સામાન્ય રીતે મેસેજ, વીડિયો અને ફોટો મોકલવા માટે વપરાતા વોટ્સએપ (WhatsApp)થી તમે વધારે મહત્વપૂર્ણ કામ પણ કરી શકો છો. હવે WhatsAppમાં એવું ફિચર આવી ગયું છે જેના કારણે તમે મેસેન્જર એપ મારફત મિત્રોને પૈસા મોકલી શકશો. આ ફિચરની શરૂઆત એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર માટે વોટ્સએપ બીટા પર યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)ની શરૂઆત પણ થઈ ગઈ છે. આ ફિચરના માધ્યમથી WhatsApp મારફરતે પૈસાની આપલે સરળતાથી કરી શકાય છે. 

ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટું પગલું
યુપીઆઇ અને વોટ્સએપની જુગલબંદીને ડિજિટલ પેમેન્ટની દુનિયામાં સૌથી મોટું પગલું ગણવામાં આવે છે. વોટ્સએપે બીટા વર્ઝન 2.18.39 માટે પેમેન્ટ ઓપ્શન ઉપલબ્ધ કરાવ્યું છે. આવનારા ફિચરને નજીકના ભવિષ્યમાં તમામ યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવશે. કંપની આ પેમેન્ટ ફિચરની ભારતમાં ટ્રાયલ કરી રહી છે. ભારતીય માર્કેટમાં આ ફિચરના આગમન પછી ડિજિટલ વોલેટ માર્કેટમાં જબરદસ્ત ક્રાંતિ આવશે એવી આશા છે. વોટ્સએપના આ ફિચરના કારણે થોડા દિવસ પહેલાં ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા તેજ વોલેટને જબરદસ્ત સ્પર્ધા મળશે. 

અનેક બેંકોનું સમર્થન
આ સર્વિસ યુપીઆઇના માધ્યમથી કામ કરશે અને અનેક બેંકોએ એને સમર્થન આપ્યું છે. આ બેંકોમાં ભારતીય સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પણ શામેલ છે. બીટા ટ્રાયલ કરનાર લોકોએ જણાવ્યું છે કે વોટ્સએપનું ઇન્ટરફેસ સમર્થન આપનારી બેંકોની યાદી પણ દર્શાવે છે. જોકે તમારે આ માટે વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કરવું પડશે.