વિદ્યા દેવી ભંડારી બીજીવાર નેપાળના રાષ્ટ્રપતિ બન્યા

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 13, 2018, 07:08 PM IST
વિદ્યા દેવી ભંડારી બીજીવાર નેપાળના રાષ્ટ્રપતિ બન્યા
વિદ્યા દેવી ભંડારી (ફાઇલ ફોટોઃ ફોટો સાભાર - ANI)

કાઠમંડુઃ નેપાળમાં મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું જેમાં હાલના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી બીજી વાર ચૂંટાઈ આવ્યા છે. તેઓ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. વિદ્યા દેવી પૂર્વ પીએમ માધવ પ્રસાદ નેપાલની કેબિનેટમાં 25 મે 2009થી 6 ફેબ્રુઆરી 2011 વચ્ચે દેશની રક્ષામંત્રી પણ રહી ચૂકી છે. 2016માં ફોર્બ્સે તેમને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 52મું સ્થાન આપ્યું હતું. 

કુમારી લક્ષ્મી દેવી સાથે હતો ભંડારીનો મુકાબલો
ભંડારીનો મુકાબલો નેપાળી કોંગ્રેસની નેતા કુમારી લક્ષ્મી દેવી સાથે હતો. કાઠમંડુ પોસ્ટ અનુસાર ભંડારીનું સમર્થન સત્તામાં રહેલ સીપીએન-યૂએમએલ અને સીપીએન (માઓવાદી સેન્ટર) વામ ગઠબંધન, સંઘીય સમાજવાદી ફોરમ-નેપાળ અને અન્ય નાની પાર્ટીઓ કરી રહી છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે બંધારણિય સંસદના કુલ 334 સભ્યો જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના 275 અને નેશનલ એસેમ્બલીના 59 સભ્યો મતદાન માટે યોગ્ય છે. તે સિવાય પ્રાંતીય વિધાનસભાઓના 550 સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે છે. 

બે વાર સંસદીય ચૂંટણીમાં ચૂંટાયા છે વિદ્યા દેવી
વિદ્યા દેવી ભંડારીનો જન્મ 19 જૂન, 1961ના થયો હતો. તે વિદ્યાર્થી જીવનથી જ રાજનીતિ સાથે જોડાયા હતા અને 1980માં તેમણે કોન્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માર્કસવાદી-લેનનવાદી)નું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. તે બે વખત 1994 અને 1999ની સંસદીય ચૂંટણીમાં ચૂંટાયા હતા. 2008માં તેમને સંવિધાન સભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.