'કોઈ કિમને કહો કે મારી પાસે તેમના કરતા પણ વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છે'

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન દ્વારા પોતાના ડેસ્ક પર ન્યૂક્લિયર બટન હોવાની ધમકી અપાયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે તેનો જવાબ આપ્યો.

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 11:11 AM IST
'કોઈ કિમને કહો કે મારી પાસે તેમના કરતા પણ વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છે'
ફાઈલ તસવીર

નવી દિલ્હી: નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન દ્વારા પોતાના ડેસ્ક પર ન્યૂક્લિયર બટન હોવાની ધમકી અપાયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે તેનો જવાબ આપ્યો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ તેમને (કિમ જોંગ ઉન) જણાવી દે કે મારી પાસે પણ એક 'ન્યૂક્લિયર બટન' છે જે તેમના કરતા અનેક ગણું વધારે પાવરફૂલ છે. આ સાથે જ તેમણે કડક શબ્દોમાં એમ પણ લખ્યું કે મારું આ બટન કામ પણ કરે છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે એક ટ્વિટમાં લખ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને હમણા કહ્યું કે ન્યૂક્લિયર બટન (પરમાણુ બોમ્બનું બટન) હંમેશા તેમના ડેસ્ક પર રહે છે. કોઈ કિમ જોંગને ભૂખમરાથી પ્રભાવિત તેમના દેશમાં જણાવે કે મારી પાસે પણ પરમાણુ બોમ્બ છે, પરંતુ તે તેમના બોમ્બ કરતા અનેકગણો શક્તિશાળી છે, અને મારું બટન કામ કરે છે!.

અત્રે જણાવવાનું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગત સોમવારે નવા વર્ષે કહ્યું હતું કે નોર્થ કોરિયાએ પરમાણુ બોમ્બ બનાવી લીધો છે અને તેનો ઉપયોગ કરવા માટેનું બટન હંમેશા તેમના ડેસ્ક પર તૈયાર રહે છે. ઉત્તર કોરિયાની રાજકીય ચેનલ દ્વારા પ્રસારિત એક ટેલિવિઝન સંદેશમાં કિમે કહ્યું કે અમે અમારા દેશના મોલેક્યુલર પાવરના લક્ષ્યને 2017માં પ્રાપ્ત કરી લીધો. તેનુ બટન હંમેશા અમારા ડેસ્ક પર રહે છે. આ ધમકી નથી પરંતુ સચ્ચાઈ છે. તેમણે યુદ્ધ સંબંધી ગતિવિધિઓ દરમિયાન પરમાણુ હથિયારોની તહેનાતી માટે પરમાણુ હથિયાર અને બેલિસ્ટિક મિસાઈલનું ઉત્પાદન વધારવાની આવશ્યકતા જણાવી. કોરિયાઈ સમાચાર એજન્સી યોનહેપએ કિમના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમણે વ્યાપક રીતે પરમાણુ હથિયારો બેલિસ્ટિક મિસાઈલોના ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો. 

કિમે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયાના જોખમોને પહોંચી વળવા માટે પરમાણુ શક્તિ વિક્સિત કરી છે. કિમે વોશિંગ્ટન અને સિયોલથી સયુંક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસને પણ બંધ કરવાની માંગણી કરી હતી. તેમણે તેને ઉત્તર કોરિયા પર આક્રમણ કરવાની કોશિશ તરીકે ગણાવી. કિમ જોંગ ઉને આગળ એમ પણ કહ્યું કે ઉત્તર અને દક્ષિણ કોરિયાએ પોતાના સંબંધોમાં સુધાર કરવો જોઈએ.