બાંગ્લાદેશ: પુર્વ વડાપ્રધાન ખાલિદાને સજાની સુનવણી બાદ રસ્તા પર ઉતર્યા સમર્થકો

બાંગ્લાદેશમાં ખાલેદાનાં લાખો સમર્થકોની ભીડ રોડ પર ઉતરી આવી: ઠેરઠેર આગચંપી અને પથ્થરમારાની ઘટના

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 8, 2018, 11:20 PM IST
બાંગ્લાદેશ: પુર્વ વડાપ્રધાન ખાલિદાને સજાની સુનવણી બાદ રસ્તા પર ઉતર્યા સમર્થકો

ઢાકા : બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જીયાને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનાથાશ્રમની સ્થાપનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે આ સજા ફટકારવામાં આવી છે.  2008માં આ મામલે પહેલીવાર ખાલિદા જિયા વિરુદ્ધ કેસ થયો હતો. કોર્ટના ચુકાદા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે ચુકાદા અગાઉથી જ રાજધાની સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં પરિસ્થિતી ખુબ જ તંગ હતી. 

જો કે કોર્ટનો ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે આગામી થોડા સમયમાં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીનું આયોજન થઇ રહ્યું છે. ખાલિદા જિયાને પાંચ વર્ષની કેદની સજા થઈ છે. અને ચૂંટણીના નિયમ પ્રમાણે બે વર્ષથી વધુની સજા થઈ હોય તો ચૂંટણીમાં ભાગ ન લઈ શકે. એટલે કે ખાલિદા હવે ચૂંટણીમાં નહીં લડી શકે. જેનો સીધો લાભ શેખ હસિનાની પાર્ટીને થશે. તેવું રાજનીતિક ગુરૂઓ માની રહ્યા છે. 

બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી પંચે ખાલિદા અને તેમના પુત્ર તારીક રહેમાન તેમજ અન્ય ચાર વિરુદ્ધ 2.1 કરોડની ગેરરીતિનો આરોપ મૂક્યો હતો. 2001થી 2006માં પ્રધાનમંત્રી રહેલા ખાલિદા કુલ 37 કેસોમાં આરોપી છે. જોકે આ પૂર્વે તમામ કેસોમાં તેમને જામીન મળી ચૂક્યા છે. ખાલિદા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ છે. જેઓ 1991થી 1996 તેમજ 2001થી 2006 દરમિયાન દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે.  
જો કે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ ઢાકા સહિત ઘણા શહેરોમાં ખાલીદા અને બાંગ્લાદેશન નેશનાલિસ્ટ પાર્ટીનાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઠેરઠેર પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની રહી છે. સમર્થકોનો આરોપ છે કે, ખાલેદા વિરુદ્ધની કાર્યવાહી સત્તાધારી પાર્ટી બાંગ્લાદેશી આવામી લીગની નેતા અને વડાપ્રધાન શેખ હસીનાનાં ઇશારે થઇ રહી છે. હાલ ઢાકા સહિતનાં શહેરોમાં પરિસ્થિતી ખુબ જ વિપરિત હોવાનું સ્થાનિક માધ્યમોમાં જણાવાઇ રહ્યું છે.