બ્રિટન : ભારતીય મૂળના દુકાનદારે ટીનેજરને ન આપી સિગારેટ તો મારીમારીને કરી નાખવામાં આવી તેની હત્યા

ભારતીય મૂળના વિજય પટેલની ઉત્તર લંડનમાં માર મારીને હત્યા કરી દેવામાં આવી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 11, 2018, 03:30 PM IST
બ્રિટન : ભારતીય મૂળના દુકાનદારે ટીનેજરને ન આપી સિગારેટ તો મારીમારીને કરી નાખવામાં આવી તેની હત્યા
લંડન : હાલમાં ઉત્તર લંડનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ભારતીય મૂળના દુકાનદાર વિજય પટેલની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે કારણ કે તેણે એક ટીનેજરને સિગારેટ વેચવાની ના પાડી દીધી હતી. દુકાનદારના ઇનકારથી ગુસ્સે ભરાયેલા ટીનેજરે દુકાનદારની મારીમારીને હત્યા કરી દીધી હતી અને પછી ભાગી છૂટ્યો હતો.
 
શું હતી ઘટના?
શનિવારે લંડનના મિલ હિલ વિસ્તારમાં આવેલી દુકાનમાં 49 વર્ષના વિજય પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માથામાં થયેલી ઈજાને કારણે સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોને શોધવાની અપીલ સાથે પટેલના પરિવારે લાઇફ સર્પોટ મશીન સાથેનો તેમના આખરી સમયનો ફોટો બહાર પાડ્યો હતો. ગઈ કાલે 16 વર્ષના એક યુવાને કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાનો ગુનો કબૂલ્યો હતો. એમ માનવામાં આવે છે કે આ ઘટનામાં ત્રણ જણ સંડોવાયા છે. પટેલને છાતીમાં માર મારવામાં આવ્યો હતો, જેને કારણે તે પડી જતાં તેમને માથામાં ઈજા થઈ હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસે પટેલને તેમના સ્ટોર રોટા એક્સપ્રેસની બહારની ફુટપાથ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોતાં તેમને લંડનની સેન્ટ મેરીઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 
 
પરિવારને સપોર્ટ
વિજય પટેલ 2006માં તેમના પરિવાર સાથે ભારતથી લંડન આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની વિભા અને બે બાળકો છે. ઘટના સમયે પટેલનાં પત્ની તેમના સંબંધીઓને મળવા ભારત આવ્યાં હતાં. આ દુર્ઘટના પછી વિજય પટેલના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવા કરવામાં આવેલી ઓનલાઇન અપીલ દ્વારા અત્યાર સુધીમાં 15,000 પાઉન્ડ (અંદાજે 12.88 લાખ રૂપિયા) ઊભા કરી શકાયા છે.