)
Agriculture News: ગુજરાતના ખેડૂતોને વાવેતરથી વેચાણ સુધીના દરેક તબક્કે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.
મકાઇના પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:
* ખેતરમાં પ્રતિ હેક્ટર એક પ્રકાશ પિંજર ગોઠવીને આ જીવાતનાં પુખ્તને આકર્ષી તેનો નાશ કરવો.
* આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા માટે 50 ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર અથવા 20 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવવી તથા લ્યુર 40 દિવસે બદલવી.
* ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો.
* આ જીવાતનાં બિન-રાસાયિણક નિયંત્રણ માટે માટી અથવા રેતી 5 ગ્રામ પ્રતિ છોડ વાવણીના 30 અને 45 દિવસ પછી ભૂંગળીમાં આપવાથી નુકશાન ઘટે છે.
* ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ પાઉડર 20 ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીઆના ફૂગનો પાઉડર 40 ગ્રામ અથવા ન્યુમોરીયા રીલી ફૂગનો પાઉડર 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
* લીંબોળીની મીંજના 500 ગ્રામ ભૂકામાંથી બનાવેલ અર્ક (5% અર્ક) અથવા લીમડાનું તેલ 30 મિલિ (પાણીમાં ભેળવવા 10 ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિલિથી 40 મિલિ 10 લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
* પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ લશ્કરી ઇયળના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર જેવી બિન-રસાયણિક જંતુનાશક દવા 1 થી 1.5 લિટર માત્રામાં આશરે 100 લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.
* લશ્કરી ઇયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ડાંગરનું ભૂંસૂ અથવા મકાઈનો લોટ 25 કિ.ગ્રા. + ગોળ પ કિ.ગ્રા. + થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 250 ગ્રામ પ્રતિ હેક્ટર અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 125 ગ્રામ પ્રતિ હેક્ટરથી બનાવેલ વિષ પ્રલોભિકાની પ્રથમ માવજત જીવાત દેખાવાની શરૂઆત થયે અને બીજી તેના 15 દિવસ બાદ મકાઇની ભૂંગળીમાં આપવી.
* વિષ પ્રલોભિકા બનાવવા ગોળને 5 લિટર પાણીમાં ઓગાળી તેને 25 કિ.ગ્રા. ડાંગરની કુશકી અથવા મકાઈના લોટમાં 10-12 કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતા પહેલા તેમાં 250 ગ્રામ થાયોડીકાર્બ ઉમેરી બરાબર ભેળવવું.
* ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી અને જો કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો 30 દિવસ બાદ જ ઢોરને ખવડાવવી.
* પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.